નેતાજી તો પરલોક પધાર્યા….વ્યંગ કવન
========================================================
( રાગ:== વૈષ્ણવ જન તો તેને રે કહીએ…)
========================================================
નેતાજી તો પરલોકમાં પધાર્યા, પરલોકને ફફડાવે રે
ચિત્રગુપ્તજીને સવાલ પૂછીને, હિસાબ સઘળો માંગે રે…નેતાજી તો…(૧)
આ તમારો યમરાજ છે કેવો, નહી અક્કલનો છાંટો રે
પાડે બેસાડી એ મને જ લાવ્યો, શિખામણ એને આપો રે…નેતાજી તો…(૨)
મોઘી ને એરકંડીશન એવી, કારોમાં જ હું ફરનારો રે
પાડે બેસી ને કમર જ દુખી, કોલગર્લને તો બોલાવો રે…નેતાજી તો…(૩)
ચિત્રગુપ્તજી કહે બધા પશુઓને, પૂછી ને પૂછાવ્યું રે
પાડો કે’ હું જ જવાનો, કેમ કે એ તો છે મારા જેવા રે…નેતાજી તો…(૪)
આ પાપ પુણ્યના ચોપડા ને, મુકો બધી ધમાલો રે
ભાગમાં આપણે ધંધો કરીએ, કોન્ટ્રાકટ પદ્ધતિ લાવો રે…નેતાજી તો…(૫)
મારા જેવા હોય અહી તો, એમની મીટીંગ બોલાવો ને
એક પાર્ટી અહીજ બનાવીને, મને હાઈકમાંડ બનાવો રે…નેતાજી તો…(૬)
ભાષણ કરવાનું કામ જ મારું, એ સર્વેને સમજાવો રે
સ્વર્ગવાળાને વચનો દેવાના, નર્કવાળાને આવકારો રે…નેતાજી તો…(૭)
સ્વીસ બેંકમાં ખાતું કરાવું ને, તમે ખાધે જ રાખો રે
બ્રહ્મા-વિષ્ણુ-શંકરને ગણવા નહી, જરૂરે માફી માગો રે…નેતાજી તો…(૮)
કૈક થાય તો ગભરાતા નહી, છે રસ્તો મારી પાસે રે
વિષ્ણુને વૈકુંઠ મુકાવશું, પક્ષપલટામાં હું પાવરધો રે… નેતાજી તો…(૯)
ભાષણમાં હું ગાંધી જેવો, ને કાર્યે ગબ્બર જેવો રે
ફેશનમાં તો જોની જેવો, ને ખાધે પીધે પાડા જેવો રે…નેતાજી તો…(૧૦)
બદલી અને યોજનાની સાથે, નાણાં ખાતું આપો રે
સ્વર્ગમાંથી નરકમાં ફેરવવાનો , કીમિયો તો જુઓ રે…નેતાજી તો…(૧૧)
નેતા થઈને સભાઓ ગજવી, દહેજ વિરોધી નારો રે
પણ દીકરા-દીકરી પરણાવી, લીધો દહેજનો લ્હાવો રે…નેતાજી તો…(૧૨)
આ બધું જ કરું તમ કાજે, પણ શરત મારી સ્વીકારો રે
ચુંટણી ટાણે મને રજા આપી , ધરતી પર મોકલાવો રે…નેતાજી તો…(૧૩)
હાઈકમાંડ અને પ્રમુખને હું, પગે પડી સમજાવું રે
સગા -સબંધીને ટીકીટ અપાવું, ફંડ નો લાગ સારો રે…નેતાજી તો…(૧૪)
સાભળીને ચિત્રગુપ્તજી બોલ્યા, આને હનુમાનને સોંપો રે
ગદાથી જ ગદડાવો પછી, હાડકાં તોડી ઉધો લટકાવો રે… નેતાજી તો…(૧૫)
આ તો “સ્વપ્ન“ના શમણાની, એક રામ કહાણી રે
સાંભળી છે મેં તો , ચિત્રગુપ્તના મોઢાંમોઢ વાણી રે … નેતાજી તો… (૧૬)
==============================================================
” સ્વપ્ન” જેસરવાકર