ગાંધીજીનાં સ્મરણો ….. ( ગીત-કવિતા )
=======================================================================
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની અંતિમ યાત્રાનું દ્રશ્ય ..
( આભાર– ગુગલ )
૩૦ મી જાન્યુઆરી એટલે શહીદ દિન . આજના દિને ભારતના રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધી બાપુ દેશ કાજે શહીદીને વર્યા. ભારતે મુક્તિદાતા અને જગતે
એક સત્ય અહિંસા અને સત્યાગ્રહનો પુજારી ગુમાવ્યો . રાષ્ટ્ર સંઘ દ્વારા તેમના
જન્મ દિવસને શાંતિ દિવસ તરીકે ઉજવાય છે .તે પણ ભારતનું ગૌરવ ગણાય.
ભારત ભરમાં દર વર્ષે ૩૦ મી જાન્યુઆરીના દિવસે સવારના ૧૧ કલાકે તમામ
શહીદોને અંજલિ અર્પવા ૨ મીનીટનું મોંન રખાય છે…. ” શહીદો અમર રહો”….
=====================================================================
“દુર્બળ દેહ ને પોતડી પહેરી, સજ્યો સત્યાગ્રહનો શણગાર
અંગ્રેજ હકુમતને હંફાવી, એના સત્ય અહિંસાનો ચમત્કાર
અપાવી આઝાદી હિન્દને એણે ત્યારે વરત્યો જયજયકાર
એકતા કાજે ગોળીઓ ઝીલી અંતે જપ્યો રામનામ રણકાર”
=================================================
ગાંધીજીનાં સ્મરણો…….
====================================================
ગાંધીજીનાં સ્મરણો આવે , સૌના હૈયા ને ભાવે
અંગ્રેજ હકુમતને હંફાવે ,જગત એના ગુણ ગાવે.
અહિંસાના હથિયાર બનાવ્યા ને રેટિયો લીધો હાથ
આઝાદી કેરી હાકલ દીધી જયારે ત્રિરંગી ઝંડા સાથ….. ગાંધીજીનાં.
હિન્દ દેવીને હાકલ કરીને સ્વરાજ કેરી જ શાન
એકી અવાજે દેશ જગાડ્યો, દેશ બન્યો બળવાન….. ગાંધીજીનાં.
પંડિત નહેરુ ને વીર વલ્લભ, નેતાજી સુભાષ બોઝ
હિન્દ તણા ભારતીય યોધ્ધા, દીસંતા જબરા જોધ….. ગાંધીજીનાં.
તારીખ ત્રીસને માસ જાન્યુઆરી , સાંજનો શુક્રવાર
ગોડસેની ગોળીએથી વીધાંણા, હિંદના તારણહાર….. ગાંધીજીનાં.
શહેર દિલ્હીના વાયરા વાયાને, રેડીયોના રણકાર
દેશના બાપુ સ્વર્ગે સિધાવ્યા મચી ગયો હાહાકાર…… ગાંધીજીનાં.
ચંદન કાષ્ઠની ચિતા રચાવી , મૈયા જમુનાને તીર
આઝાદી કેરા અમર ઓઢી , પોઢ્યા છે એ નરવીર ….. ગાંધીજીનાં.
સંત ગયા શિખામણ મૂકી , તમે રાખજો રૂડી ટેક
હિંદના જન જન એકઠા મળી, રાખજો રૂડો વિવેક……. ગાંધીજીનાં.
================================================
સ્વપ્ન જેસરવાકર ( ગોવિંદ પટેલ )