Monthly Archives: જુલાઇ 2012

ગોદડિયો ચોરો…ભગવાન ભાજપ દ્વારે…


 

ગોદડિયો ચોરો…ભગવાન ભાજપ દ્વારે…

========================================================

ગોદડિયાચોરામાં કલ્પનાનાં ભમતાં ભૂતો ફર્યા કરે છે એટલે કોઈએ ભૂતે મને ઝડપી

લીધો એમ સમજી દોડાદોડ ના કરવી મતલબ કે બંધ બેસતી પાઘડી ના પહેરવી.

========================================================

ભગવાન કોંગ્રેસની કચેરીએથી પરત ફર્યા બાદ અમે બધાયે ખુબ જ મનોમંથન કર્યું .

સર્વ ચોરાના મિત્રોએ પોતાના સૂચનો રજુ કર્યાં. હવે પ્રભુએ ટિકિટ માટે ભાજપના દ્વારે

જવાનું નક્કી કર્યું હોઈ તેમના વસ્ત્રોની તૈયારીમાં અમે લાગી ગયા.


” હે ચન્દ્રેશ્વરે ધર્યો છે ચોરણો ને કાનજીએ કસ્યું છે મજેદાર કેડિયું

પ્રભુને શિર શોભે પાઘડીમાં પીંછુ મોહનજી પગે મોંઘી મોજડીયુ  ”

પ્રભુ સાથે અમે બધા રીક્ષામાં ખાનપુર ભાજપ કાર્યાલય પહોંચ્યા .

પ્રભુ કહે અલ્યા ગોદડિયા આમને ખાન ( મુસ્લિમો) સાથે ફાવતું નથી તો પછી ઓફીસ ખાનપુરમાં

કેમ બનાવી મારા વા’લા મારા કરતાય જબરા નાટકબાજ  લાગે છે.

મેં કહ્યું પ્રભુ આમણે સત્તા પર આવવા માટે હિન્દુત્વનો નારો લગાવી હિન્દુઓના મત ઉઘરાવી

સતા મેળવી લીઘી . હવે ગુજરાતમાંથી દિલ્હી જવા રસ્તો કરવા આ ખાન કોમની જરૂર છે .

ખાનપુર ભાજપ કાર્યાલયમાં પ્રવેશ્યા તો કોઈએ અંદર ખબર આપી કે પ્રભુ પધારે  છે.

ત્યાં તો પ્રદેશ પ્રમુખ રણછોડ ફળદુ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ,પરશોતમ રૂપાલા, ભીખુભાઈ

દલસાણીયા, વિજય રૂપાણી અને મુખત્યાર અબ્બાસ નકવી સામે લેવા આવી ગયા.

બધા કહે પ્રભુ આપના નામના આ એક કેશુબાપા વળગ્યા છે પરિવર્તન માટે અને અમે હજુ સત્તાથી

ધરાયા નથી  તો અમને સત્તામાં  તારી દ્યો.

મેં પ્રભુનો બાયોડેટા બતાવીને કહ્યું હાલ તો પ્રભુ તેમના માદરે વતન દ્વારિકાથી વિધાનસભા

લડવા માંગે છે એટલે અમે તમારી પાસે પક્ષની ટિકિટ માટે આવ્યા છીએ.

પ્રમુખ શ્રી રણછોડભાઈ ફળદુ કહે ” બાપો બાપો જામ્યો અસલ સોરઠિયો શામળો લાગે છે “

આ કેડિયું ચોરણો અને માથે પંચરંગી પાઘડી . ” વાહ મારો વાલમો અમ દ્વારે પધાર્યો છે “


પ્રભુ અમે પણ પાઘડી પહેરીએ છીએ. “અમારા મુખ્ય મંત્રી જુદી જુદી પાઘડીયોના શોખીન છે .”

પ્રભુ કહે તમને અને મુખ્ય મંત્રીને કાર્યકરોએ, જુદા જુદા સમાજના આગેવાનોએ અને પ્રજાએ

ખુબ અવનવી પાઘડીઓ પહેરાવી સન્માન્યા ને નવાજ્યા છે.

” પણ તમે આ પાઘડીના સન્માને  “પા – ઘડી ” ય એમની પાસે બેઠા છો ખરા કે એમને મનથી

બોલાવીને ” પા – ઘડી ” સરાહ્યા છે ખરા.”

મને કોઈએ પાઘડી પહેરાવી નથી પણ હું મારા ભક્ત નરસૈયાના પ્રેમને વશ થઇ પાઘડી પહેરી

હુંડી સ્વીકારવા આવે લો .

તમે તો જનતાને વચનો રૂપી પાઘડીયો પહેરાવી છે અને કાર્યકરોને મજૂરોની જેમ જુદા જુદા

મેળાવડામાં રાત દિવસ દોડાવીને પણ તેમના દુખ દર્દ કે ફરિયાદો સાંભળી જ નથી.

ત્યાં તો  વિજય રૂપાણી દોઢ ડાહ્યા થઈને કહે પ્રભુ પ્રથમ તો આપે આ નામ બદલવું પડશે ?

મેં પૂછ્યું કેમ ભાઈ આ કૃષ્ણભાઈ નામ તો બાળકો વડીલો યુવાનો માતાઓ બહેનો દરેકના

હૈયામાં વસી ગયેલું છે.

વિજય રૂપાણી કહે આ ” ક ” થી શરુ થતા નામોએ તો અમારા નાકે દમ લાવી દીધો છે

કેશુભાઈ, કાશીરામ, કનુભાઈ કલસરિયા , કર્ણાટક, કમળ, કર્ણાવતી , કેશોદ, કુકાવાવ, કરમસદ ,

કલ્પસર અને કોંગ્રેસ .

આ બધા ” ક ” રાત્રે દરેક ભાજપીના સ્વપ્નમાં આવીને ડરાવે છે કે અમારી સત્તા ના છીનવી લે !

મેં કહ્યું આ કમળ, કર્ણાટક, કર્ણાવતી , કલ્પસર, કરમસદ , કેશોદ ,કુકાવાવ આ બધાનું શું છે?

રૂપાણી કહે જુઓ પ્રભુ કર્ણાટકમાં લોકાયુક્ત નીમ્યો તો યેદુરપ્પાની કેવી દશા થઇ એટલે અમે

ગુજરાતમાં લોકાયુક્ત નીમતા નથી.

કલ્પસરમાં વાપરવાના બધા નાણાં છે જ નહિ એટલે દર પાંચ વર્ષે ચુંટણી પહેલા છ માસ અગાઉ

અમે સર્વે કરાવી નાળીયેર વધેરીએ છીએ.

કરમસદ એટલા માટે કે અમારે સરદારનું નામ વટાવીને ચુંટણી વખતે મત મેળવવાના હોય છે.

કર્ણાવતી નામ કરી દઈએ તો મુસલમાનોના વોટ અમને મળે નહિ એટલે સમયે  સમયે  અમે

કર્ણાવતી નામ કરીશું એમ લોકોને ભડકાવીને મત ખંખેરી લઈએ છીએ.

કેશોદ અને કુકાવાવમાં કેશુભાઈ અને બાવકુ ઉઘાડ નડે છે.

કમળમાં ” ક ” આવે છે એટલે હવે અમારું ચાલે તો ” લોટસ ” કરી નાખીએ અને પ્રજાને  કહીએ કે..

” લોટ – અસ ” એટલે કે અમને સત્તામાં પાછા લોટાવો .

આનંદીબહેન કહે પ્રભુ તમારે એવી તે શી જરૂર પડી કે તમને ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે ?

પ્રભુ કહે બહેન તમારું નામ આનંદીબહેન છે પણ ચોવીસ કલાકમાં તમે ક્યારેય આનંદમાં હોતા

જ નથી. કાયમ ચઢાવેલું  અને ગુસ્સાવાળું વદન હોય છે.

પ્રભુ કહે આનંદીબહેન “તમે મહેસુલ મંત્રી છો કે વસુલ મંત્રી છો “

તમે તો સાત જન્મ જેટલું વસુલ કરવા માંડ્યું છે સાથમાં  તમારા સુપુત્ર સંજય અને જમાઈ જયેશ છે.

જગતમાં પહેલા એવા મહેસુલ મંત્રી જોયા કે જેમના રાજમાં ગાંધીજી અને સરદાર પટેલ જેવા ભારતના

રત્નોની રતીભાર જમીનો ના બચે બધી વેચાઈ જાય.

રશોતમ રૂપાલા કહે પ્રભુ આ ભાષણ  બાષણ તમને ના ફાવે એતો મારા જેવા મજેલાનું કામ.

પ્રભુ કહે સાચી વાત છે ભાઈ. તમે જે ભાષણમાં કહો તેનો અમલ કાર્યકરો બીજા દિવસે જ કરે.

તમે એક વખત કહ્યું કે દરેકને બતાવી દો કે અમે શિસ્ત બીસ્તમાં માનતા નથી .

“ભારત બંઘ વખતે કાર્યકરોએ સ્ટેટ બેંકના મેનેજરને માર માર્યો”.

તમે તો રાજ્યના પૈસા ક્યાં ને કેમના વપરાય એ માટે કોઈ ના પૂછી શકે કે માનનીય રાજ્યપાલ

ના પૂછી શકે એવું વક્તવ્યમાં કહ્યું હતું. “નામ છે પરશોતમ પણ બોલી ફર્શોતમ (ફરશી જેવી) છે.”

નરેન્દ્રભાઈ કહે કૃષ્ણભાઈ તમે યાદવ છો અને યુપી બિહારમાં ગમન કરી ગયા છો

મારે તો   ” છ કરોડ  ગુજરાતીઓની ચિંતા કરવાની છે “

કૃષ્ણભાઈ કહે ખરી વાત જો તમે ગુજરાતી તરીકે છ કરોડ ગુજરાતીઓની વાત કરો છો પણ!!!!!!!!!!!

” જયારે વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાની ચુંટણી વખતે આ વિધાન તમે ભૂલી જાવ છો “

જો એમ જ હોય તો ટીકીટની ફાળવણીમાં ” લાલ કૃષ્ણ અડવાણી, અરુણ જેટલી , સ્મૃતિ ઈરાની

મધુ શ્રીવાસ્તવ , સી.પી.પાટીલ આ બધા કેમના આવી જાય છે ” આ ક્યાં ગુજરાતી છે ?

નરેન્દ્રભાઈ કહે કૃષ્ણભાઈ મારેય આ બધાને સાચવવા પડે ને ?

આ તો ભાષણમાં ગુજરાતની ભોળી પ્રજાને ભોળવવાની અને પાનો ચડાવી મત ખંખેરી  લેવાના.

મુક્ત્યાર નકવી કહે કૃષ્ણભાઈ આ તમારો ધંધો ગયો ચરાવવાનો ખરું ને ?

હવે તમે ગાયો માટે ગોચર શોધો તો અમે અંબાણી, અદાણી, તાતા, નિરમાવાળા અ બધાને કેવી

રીતે જમીન આપી શકીએ.

આ બધા તો અમારા માટે દૂઝણી ગાય જેવા છે . જેમની પાસેથી પૈસા લઈએ છીએ અને તેમનાં

વિમાનો અને હેલીકોપ્ટરો મફતમાં વાપરી ઉડાઉડ કરીએ છીએ.

બીજું કે  ગૌવંશ પ્રતિબંધની જે સાધુ સંતો માંગણી કરે છે એમને ગાંઠતા નથી  જો તમે

જોડાવતો એમને પ્રેરક બળ મળે . અને પાછુ અંદોલન સબળ બને .

અમે કસાઈભાઈઓને ચુંટણીઓ જીતવા મત મેળવવા જે છુટ આપી છે એનું શું થાય.?

અમારે તો હિન્દુઓને કહેવાનું ગાયોની કતલ નહિ થવા દઈએ અને કસાઈભાઈઓને કહેવાનું

તમ તમારે કતલ કરે રાખો !!!!!

અમારે તો ફક્ત સત્તા મેળવવા મત જોઈએ છીએ.પછી ભલેને બન્ને કોમ લડી ઝઘડી મરે ?

પ્રભુ કહે વાહ ભાઈ વાહ જબરી તમારી આ  “ભાગા – જાગા – પાર્ટી ” સત્તા માટે સહુને મારે ?

જુઓને આ તમારા રાજ્યમાં જેનું પીંછુ હું મુગટમાં લગાવું છું અને મા સરસ્વતીજીના વાહન એવા


હજારો મોરનું નિકંદન કાઢી નાખ્યું છે.


તમે સત્તા માટે માનવ તો ઠીક પણ પશુ પક્ષી અને પ્રાણીઓનું પણ નિકંદન કાઢી નાખો તેવા છો.!!

ભગવાન શ્રી કૃષ્ણ કહે જે પક્ષ સત્તા માટે ખોટા ખર્ચા કરી  દરેક કોમને લડાવી મત ખંખેરવાનું કામનો

જેનો આશય હોય તેવા પક્ષમાંથી મારે લડવું નથી. તમારી ટીકીટ તમને મુબારક !!!!!!!!!!!!!!!!!!!

સાટકો==

ભય ભૂખ ભાષણ અને ભ્રષ્ટાચાર જેવા ભારોભાર લક્ષણો નેતા નામની જાતિમાં જોવા મળે છે!!!!!!!

================================================================


સ્વપ્ન જેસરવાકર

ઓ શિવજી દયાળા ..ભજન


 

ઓ શિવજી દયાળા ..ભજન

===========================================================


 


શંકર જટાધર શરણે નમું હે કૈલાશવાળા…અરે ઓ શિવજી દયાળા.

જય ગંગાધર ઓમકારેશ્વર ત્રિલોચનવાળા..અરે ઓ શિવજી દયાળા .

તમે  કપૂર જેવા ગોરા છોતમે સહુ દેવોમાં ભોળા છો

શરણાગતને શરણે લઈને માગ્યું દેનારા…અરે ઓ શિવજી દયાળા .

તમે હિમાલયના છો વાસીતમે કૈલાશના છો રહેવાસી

તમે ત્યાગી છો વિરાગી છો ઓ જોગી જટાળા…અરે ઓ શિવજી દયાળા .

તમે ઝેર પીધા જાણી જાણી

તમે કહેવાયા પિનાકવાણી

શિર પર ગંગે ભષ્મ અંગે ગળે છે સર્પની માળા…અરે ઓ શિવજી દયાળા .

તમે રામચંદ્રના છો રામેશ્વર

તમે કૃષ્ણ પ્રભુના   ગોપેશ્વર

તમે વૈષ્ણવ થઇ વલ્લભ મુખથી ભાગવત સુણનારા…અરે ઓ શિવજી દયાળા.

તમે પાર્વતીજીના સ્વામી છો

તમે ભક્તોના અંતર્યામી  છો

હે શિવ શંભુ પ્રેમે વંદુ નમું હું તમને છો તારણહારા…અરે ઓ શિવજી દયાળા .

=====================================================

સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો…કોંગ્રેસ કચેરીએ કૃષ્ણ


ગોદડિયો ચોરો…કોંગ્રેસ કચેરીએ કૃષ્ણ

=========================================================

ગોદડિયા ચોરામાં કલ્પનાના પતંગો ઉડાઉડ કરે છે તો કોઈએ મારો પતંગ છે એમ


સમજી લુંટાલુંટ ના કરવી મતલબ કે બંધ બેસતી પાઘડી ના પહેરવી .

પ્રભુ પ્રાગટ્ય પવિત્ર શ્રાવણ માસની પધરામણી આજે થઇ છે . શિવાલયો ઘંટનાદથી

ગુંજી ઉઠ્યા છે .  ભગવાન ભોલેનાથને દૂધ અને જળનો અભિષેક થઇ રહ્યો છે.

ભક્તરાજ શ્રી નારદજીનો મને આદેશ મળ્યો કે દ્વારિકાધીશ તેમના પ્રાગટ્ય માસમાં

ગુજરાત આવીને દરેક પક્ષોની કચેરીએ જઈ બાયોડેટા સાથે ટીકીટની માંગણી કરશે.

એમના માટે સરસ એમને  અનુકુળ હોય તેવા વસ્ત્રોની તૈયારી કરજે.

મેં પણ મનોમન વિચારી લીધું કે ભક્ત વત્સલ ભગવાનને એવા વાધા સજાવું કે તેઓ

અદ્દલ સાચા રાજકારણી દીશે.

મારા મનમાં દહેવાણના વતની  શ્રી કમળાશંકર પંડ્યા કે જેઓ તલાટી હતા.
 
તેમની  છબી ઉભરી આવી. તેઓ ખાદીનું બાડિયું  અને ખાદીનો લેંઘો પહેરી માથા પર

કાયમ ખાદીની ટોપી હોય અને ખભે ખાદીનો બગલ થેલો ભરાવે.

કમળાશંકરની બદલી થાય ને જે ગામે નોકરીએ હાજર થવા જાય તો

“ગામવાળા કોઈ આશ્રમના ઉઘરાણી કરવાવાળા સમજી પહેલેથી જ કહી દે બીજે

 ગામ જાઓ અહી કાંઈ નહિ મળે “. કમળાશંકર બોલે પણ કોઈ સાભળે જ નહિ.

પ્રભુની  વાજતે ગાજતે પધરામણી થઈને અમે જોશભેર આગતા સ્વાગતા કરી .

“ચૌદ ભુવનનો નાથ રણછોડ કૈકના રણ છોડાવવા તત્પર થયા.”

આ માટે મેં પેટલાદના ” કચીન્સ ટેલરીંગ ” વાળા મુકેશભાઈ દરજીનો સંપર્ક કર્યો.

      ” હળવે હળવે આવ્યા છે હરજી ને સામા મળ્યા છે મુકેશ દરજી

        નાથ સાંભળોને મારી મરજી કે કોંગ્રેસ સ્વીકારે તમારી અરજી “

મુકેશભાઈએ સરસ મઝાનું ખાદીનું  બાડિયું ને ટોપી અને ધોતિયું સીવી દીધું.

ભગવાન પીળાં પીતાંમ્બર ને જરકશી જામા ધારણ કરનાર પ્રભુ અદ્લ કોંગ્રેસી બની ગયા.

     “ધરણીધરે ધર્યું છે ધોતિયું ને ત્રિલોક્નાથના માથે ખાદી ટોપી સોહાય

      બલરામ બંધુએ ભેરવ્યો બગલ થેલો ને કિશન આબેહુબ કોંગ્રેસી દેખાય “

અમારે કોઈ જાતના ખોટા દેખાડા કરી રુવાબ છાટવો નહોતો એટલે ભગવાન સાથે અમે

ગોદડિયા ચોરાના મિત્રો રીક્ષામાં પાલડી  “રાજીવ ગાંધી ભવન ” કોંગ્રેસ કચેરીએ પહોચ્યા .

ભગવાન કૃષ્ણે મને પૂછ્યું અલ્યા ગોદડિયા આ લોકોની ઓફીસ પાલડીમાં કેમ છે ?

મેં કહ્યું પ્રભુ આ કોંગ્રેસવાળા છેલ્લા “પંદર વર્ષમાં પા – જેટલું લડ્યા છે એટલે કે સબળ

વિરોધ કરવાને બદલે પા ભાગ જેટલું જ લડ્યા છે એટલે “પા-લડી” માં ઓફીસ બનાવી છે “

સરસ મજાની ઓફીસ જોઇને ભગવાન પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા. અમને પણ પ્રથમ

વાર આવી ઓફિસમાં જવાનો મોકો મળ્યો તેથી અમારા આનંદનો પાર ના રહ્યો .

અમે અંદર જવા રજા માગી તો પટાવાળાએ અંદર જઇ સરળતાથી મળવાની વ્યવસ્થા કરી .

મેં તેને ચા પાણીની વ્યવસ્થા કરી તે જોઈ પ્રભુ કહે ” બસ અહિયાં પણ આવું જ ચાલે છે “

અમે અંદર પ્રવેશ્યા તો શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહેલ, સિદ્ધાર્થ પટેલ,

નરહરિ અમીન, ભરતસિંહ સોલંકી, તૃષાર ચૌધરી,અને ગુજરાતના કોગ્રેસ પ્રભારી મોહન પ્રકાશ

એવા મોટા મોટા ખેરખાંઓ બિરાજમાન થયા હતા.

ભગવાનનો બાયોડેટા જોઈ મોહનપ્રકાશ કહેવા લાગ્યા પ્રભુ આપ વૈકુંઠ છોડી દ્વારિકાથી ચુંટણી

લડી સક્રિય રાજકારણમાં શા માટે પ્રવેશવા માગો છો ? એ બધું છોડી શા માટે ચુંટણી લડવી છે ?

ભગવાન કહે અલ્યા તમારા મેડમ સોનિયાજી ઈટાલીથી આવી ચુંટણી લડતાં હોય તો હું તો

ચોખ્ખો ગુજરાતી અને દ્વારિકાવાસી છું. મને મારા ગુજરાતમાં ચુંટણી લડવાનો સંપૂર્ણ હક્ક છે.

મોહનપ્રકાશજી કહે કૃષ્ણભાઈ આ તમારા યાદવોને તમે સ્થળાન્તર કરાવ્યું . એ લોકો યુપી , બિહાર

જઈને વસ્યા.

 “આ તમારા યાદવોએ  એવો કાદવ કર્યો કે અમે યુપી બિહારમાં સદંતર ધોવાઇ ગયા.”

શંકરસિંહ કહે પ્રભુ તમારું આમાં કામ નહિ ખંધા ચાલક અને સર્વગુણ સંપન્ન જ અહિયાં ચાલે.

જુઓને ૨૦૦૯ માં મને ગોધરા બેઠક પરથી લોકસભાની  ટીકીટ આપી હતી.

એમાં અમારા ” કોંગ્રેસી કાગા  અને ભાજપના ભગા “એવા બાટક્યા  કે

”  મને  ” ગો– ધરા ”   કહીને ધરામાં ફેંકી  દીધો કે હજુ મારો ગજ વાગતો જ નથી “

હજુ હું ધરામાં જ પડ્યો છુ હમણાં આ કેમ્પેઈન કમિટીનો ચેરમેન અને દિલ્હીમાં પ્રવાસનનો

ચેરમેન બનાવી જેમ તેમ મેળ  પાડ્યો છે.

અર્જુન મોઢવાડિયા કહે પ્રભુ આપ તો આખા જગતનું સંચાલન કરો છો ખરાના પક્ષમાં રહો છો

તો આપ અમોને ગુજરાતની ગાદી મેળવવા માટે મદદરૂપ બનો ને ?

કૃષ્ણ કહે “અલ્યા અર્જુન કુરુક્ષેત્રમાં મેં તને ઉપદેશ આપ્યો હતો .હવે તું મને ઉપદેશ આપે છે ?”

કુરુક્ષેત્રમાં મેં તારા રથના સારથી બની રથ હંકાર્યો ને મારો રથ હંકારવાને બદલે તું  બાનાં

કાઢી રથ ચાલે એ પહેલા જ તું એને ઉતારી મુકવા માંગે છે ?

શક્તિસિંહ ગોહિલ કહે પ્રભુ તમે આ બધી ઝંઝટમાં ના પડશો ?

ભગવાન કહે ભાઈ “તારી પાસે શક્તિ ય છે અને પાછો તું સિંહ છે છતાંય તારું કંઈ થતું નથી “

સિદ્ધાર્થ પટેલ કહે પ્રભુ મારા પિતાજી જબરા ખેલાડી હતા તોય ફરી સત્તામાં આવવા ૧૭ વર્ષ લાગ્યા.

કૃષ્ણ કહે ” ભાઈ તે તારી જાતે કાંઈ સિદ્ધ કર્યું જ નથી . ચીમનભાઈ અને ઉર્મીલાબહેનના નામે જ

ચરી  ખાય છે. તારી પોતાની કોઈ સિદ્ધિ છે ખરી ” ? અને સિદ્ધિનો અર્થ છે ખરો ?

નરહરિ અમીન કહે પ્રભુ મારું નામ પણ નરહરિ જ છે .

પ્રભુ કહે ભાઈ  ” આ  તારી હરી (સળી ) કોઈ જગ્યાએ કામ આવી ખરી ” હા એક વખત નાયબ બની ગયો.

ભરત સોલંકી કહે પ્રભુ ભરતના  નામથી આ દેશનું નામ પડ્યું છે. એમ મારું નામ ભરત.

પ્રભુ કહે ભાઈ ” તું તારા બાપા માધવસિંહના નામથી જ ઓળખાય છે . તારી કોઈ ઓળખાણ બનાવ.”

રેલ મંત્રી છુ તો ગુજરાતમાં વધુ ગાડીઓ દોડે તેવું કંઈ કર ભૈલા ભરત !

તૃષાર ચૌધરી કહે પ્રભુ આ વખત ઘણા ઉમેદવારી માટે થનગને છે આપ આ વખતે બંધ રાખો .

કૃષ્ણભાઈ કહે ભાઈ “તારા બાપા અમરસિંહ તો ગુજરાતની  ગાદીએ બેઠા પણ તારે તો ગુજરાતથી

ગાડી પકડીને દિલ્હી જ જવાનું. ને મેડમ અને સીનીયરોની હા માં હા જ ભરવાની બરોબરને “

છેવટે પ્રભુએ કહ્યું સ્વર્ગમાં મારે ઘણીવાર ગાંધીજી ,સરદાર પટેલ  અને જવાહરલાલ સાથે આ તમારી કોંગ્રેસ

વિષે વાતચીત થાય છે તેઓ એ જ બળાપા કાઢે છે કે અમારી ઉભી કરેલી કોંગ્રેસનું અત્યારે આ નવા સવા

કોંગ્રેસીઓએ ધનોત પનોત કાઢી નાખ્યું છે.

જાવ મારે તમારા પક્ષમાંથી ચુંટણી નથી લડવી.

સાટકો – “સત્તાની સાબરમતીમાં તરી તરીને , નાણાંની નર્મદા તો ઘર ભેગી થઇ

              કારસ્તાનોથી કાવેરી પણ શરમાઈ ગઈ , હજુ ચુંટણી ગંગામાં નહાશો કેટલા “???????????

================================================================


સ્વપ્ન જેસરવાકર

ગોદડિયો ચોરો… બાયોડેટા દ્વારિકાધીશનો 

 ગોદડિયો ચોરો… બાયોડેટા દ્વારિકાધીશનો

======================================================

ગતાંકમાં આપને ” મોહન મતદાર યાદીમાં “ જોઈ ગયા અને મોહનનું નામ પણ

મતદાર યાદીમાં સામેલ થઇ ગયું.

ભક્તરાજ શ્રી નારદજીના આદેશ મુજબ મને દ્વારિકાધીશનો બાયોડેટા તૈયાર કરવાનું

સૂચન કરેલું તે મુજબ મેં   “શ્રી દ્વારિકાધીશનો બાયોડેટા “ તૈયાર કર્યો છે.

======================================================

વિધાનસભા વિભાગ નંબર ———- ૩૧

વિધાનસભા મત વિસ્તારનું નામ –  ” દ્વારિકા “

ઉમેદવારનું નામ——————-  “કૃષ્ણભાઈ વાસુદેવભાઈ યાદવ “

ઉમેદવારના પાલક પિતાનું નામ —- નંદભાઈ

ઉમેદવારની માતાનું નામ———–  દેવકી બહેન

ઉમેદવારની પાલક માતાનું નામ —- જશોદા બહેન

ઉમેદવારની પત્નીનું નામ———-  ” સત્યભામા , રૂક્ષ્મણી અને બીજી એક હાજર આઠ “

ઉમેવારના પુત્રનું નામ —————અનિરુધ્ધ

ઉમેદવારનું કાયમી સરનામું——–  ” સમસ્ત બ્રહ્માંડ “

ઉમેદવારનું કાયમી સરનામું ——–  બાવન ગજ ધજા ફરકાવતું  જગત મંદિર, સમુદ્ર કિનારે, દ્વારિકા

ઉમેદવારનો ધર્મ——————–   ” સ્વધર્મ ”  ( સ્વયમ પોતે જ ધર્મ છે )

ઉમેદવારના ઉપનામ ————— નંદલાલ, કાનુડો, ગીરધર, ગોપાલ, ગોવર્ધનધારી, ગોવિંદ, કેશવ, માધવ

                                                                     રણછોડ,પુરષોતમ એવા અનેક હજારો નામ

ઉમેવારનો ધંધો——————   ” ગાયો ચરાવવાનો”, દીન દુખિયાની મદદ વિગેરે, ” મહીં માખણની ચોરી

ખાસ નિપુણતા ——————— માખણ ચોરી ,”  ગોપીઓના કપડાં ચોરવા “, ગોપીઓની મટુકી ફોડવી ,

                                                         ” બે પક્ષોને લડાવવા “, ન્યાય માટે યુદ્ધ ક્ષેત્રમાં જવું , ભલ ભલાની ગાદી

                                                            છીનવી લેવી અને મનગમતાને ગાદીએ બેસાડવો

સંગઠન શક્તિ ——————— ગમે તેવા સંજોગોમાં જીત મેળવવી, ” સામેના પક્ષના માણસોને ફોડવા ,”

ખાસ વિશેષ કાર્યો—————— “ગોવર્ધન પર્વત ઉચકવો, ગોકુળને બચાવવું , નાગોને નાથવા  ,

                                                                    રાક્ષસોનો સંહાર કરવો ,  ભક્ત માટે દોડી જવું, માંમેરાં  કરવા ,

                                                                       ભક્ત  જનોની હુંડી સ્વીકારવી,  ગીતા ઉપદેશ આપવો,”

                                                       ” સ્વજનો  ખોટા ને જુઠ્ઠા હોય તો તેમની સામે લડવું.”

ઉમેદવારનો  શોખ—————–  “મોરનાં પીછાંનો મુગટ બનાવવો,” રાજ્ય કરવું.  “સુદર્શન ચક્ર ફેરવવું “

રાજકીય અનુભવ——————– સોનાની  દ્વારિકા પર રાજ્ય કરવું , બાવન ગજ ધજા લહેરાવવી

                                                       ” છળ કપટ કરવું, ” ભાણેજને મારવો,  ” બીજાને લડાવવા”

==================================================================

સ્વપ્ન જેસરવાકર

કેટલાક નામોનો અર્થ… જાણવા જેવું .


કેટલાક નામોનો અર્થ… જાણવા જેવું .

====================================================================

( ૧ )  ડોક્ટર ( દાકતર )=  આ ભાઈ ડો   ( દો – બે ) બાજુથી કટર કરે એટલે કે કાપે .


(૧) ઓપરેશનમાં શરીરને કાપે


(૨) પૈસામાં પણ કાપે  એટલે ડો (દો ) કટર કહેવાય .

( ૨ )  વકીલ – એટર્ની  – આ ભાઈ પણ બે બાજુથી કાપે


(૧) વકીલ-  (વહ ) કીલ . કેસમાં હરાવે તો કીલ થવાય.  સજા  રૂપી કીલ


(૨)  પૈસામાં પણ કીલ કરે . જીતે કે હારે પણ પૈસા તો આપવાના


(૩) એટર્ની – એ ટર્ન ક્યારે મારે તે કહેવાય નહિ .


સામાવાળા વકીલ સાથે ખાનગીમાં  સમાધાન કરી લઇ આપણને હરાવે .

(૩)  એકટર-  એ પોતે નામ અને દામથી તરી જાય


(૧) સમાજને અને યુવાનોને ફેશન  કટર કરે


(૨) પોતાનો ઈગો સાચો કરવા ગમે તેમ વર્તન કરી સમાજ દેશને કટર કરે .


(૪) ઈજનેર – ઇજ એટલે એની નેર ( નહેર- છીડું- બારું ) કોઈ પણ પ્રોજેક્ટના પૈસા પ્રથમ


એની નેરમાં જ જાય .


( ગામડામાં બે ખેતરો વચ્ચે વાડ હોય તેમાં એકમાંથી બીજામાં જવા નાનું ઝાંખરામાં બારું


છીડું બનાવ્યું હોય તેને નેર કહેવાય.(૫) પ્રધાન =-  મંત્રી —-પારકાનું ધાન ખાઈને જીવનાર .


જનતાના પૈસાથી લીલા લહેર . જનતાને કાયદા કાનુન અને પૈસામાં મંત્રે તે .

 

(૬)આમ આદમી – સામાન્ય જનતા – આમ એટલે કેરી . કેરી જેવો આદમી .


જેમ કેરીનો રસ ચૂસી કે નીચોવી ગોટલાને છોડાં  ફેંકી દેવાય .


એવી જ રીતે મોઘવારી, ભાવવધારો, ભષ્ટાચાર અને ભાડાં ભથ્થાં રૂપી પૈસાથી નીચોવીને


સરકાર ( પ્રધાનો )  રસ ચૂસી ગોટલાની જેમ ફેંકી દઈ જનતાનાં કામ થતા નથી .


એટલે જ આમ આદમી હંમેશા પીસયેલો રહે છે.

========================================================================

સ્વપ્ન જેસરવાકર

 

ગોદડિયો ચોરો…મોહન મતદાર યાદીમાં


ગોદડિયો ચોરો…મોહન  મતદાર યાદીમાં

===============================================================

ગોદડિયા ચોરામાંથી આવીને  જમી પરવારીને સોફા પર આરામ ફરમાવતાં ટીવી પર

ન્યુઝ આવતા તે  જોતો અને દેશ દેશાવરના બનાવોની ચેનલો દ્વારા કાલ્પનિક કહાનીઓ

પર વિચારતો હતો ત્યારે જ  “બીવીનો ફ્યુઝ માગણીના લીસ્ટ પર ઝબુક ઝબુક થતો હતો “.

એમ કરતા કરતા ક્યારે આંખ મીચાઈ ગઈ તેની ખબર જ ના પડી .

ત્યાં જ મારા મોબાઇલ પર ” તંબુરા કોમ્યુનીકેશન ” દ્વારા નારદજીનો ફોન આવ્યો .

શ્રીમતીજી રસોડામાંથી બરાડતા બરાડતા કહે ……

 “ક્યારનો આ પીહુડો ક્યારનોય વાગે છે જરા ઘરમાં ધ્યાન  રાખો .”

મેં ફોન ઉપાડી કહ્યું હલ્લો હલ્લો કોણ બોલે છે ? કોનું કામ છે ? ક્યાંથી બોલો છો ?

નારદજી કહે અલ્યા ગોદડિયા ” હલ્લો હલ્લો કેમ કરે છે ? આમેય અમે હવે હાલી ગયા છીએ.”

જો જયારે તું  “પરમેશ્વરીય પરિષદ ” ના હેવાલ અર્થે અહી સ્વર્ગમાં આવેલો ત્યારે ઘણા

દેવોએ તારી સાથે અંગત મંત્રણા કરી હતી  ખબર છે ને ?

તે સમયે તું મહાદેવ શંકર, રામચંદ્રજી,સહજાનંદ સ્વામી, ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી , શિરડીવાળા

સાઈ બાબા અને દ્વારિકાધીશ રાજા ભગવાન શ્રી કૃષ્ણચન્દ્રજી ને મળ્યો હતો.

ભગવાન શ્રી કૃષ્ણજીએ તારી સાથે ગુજરાત બાબતે ચર્ચા કરી હતી ત્યારે તે કહ્યું કે ૨૦૧૨ના

ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી આવશે . હવે જયારે એ સમયને ચાર કે પાંચ માસ
 
રહ્યા છે ત્યારે દ્વારિકાધીશની ઈચ્છા વિધાનસભાની ચુંટણી લડવાની છે . તો આ માટે તને જાણ

કરવા ફોન કર્યો છે . તેને માટે કઈ વિધિ કરવી પડે ? શું કરવું તે જાણવું છે ?

મેં કહ્યું દેવર્ષિ પ્રથમ તો  “તેમનું નામ મતદાર  યાદીમાં દાખલ કરાવવું પડે ને તેમનો સંપૂર્ણ

લાયકાત દર્શાવતો બાયોડેટા તૈયાર કરવો પડે પછી બધાય પક્ષોના મોવડી મંડળ સમક્ષ

ઉપસ્થિત રહી પોતાના ટેકેદારો સાથે મક્કમતાથી રજૂઆત કરવી પડે “.

દેવર્ષિ નારદજી કહે જો તું મતદાર યાદીમાં નામ લખાવી બાયોડેટા તૈયાર કરવી દે અને હા

જો ચુંટણી પાછી તેમની રાજધાની દ્વારિકાથી લડવાની ઈચ્છા છે. તો જોરદાર તૈયારી કરજે .

આપના બધા ભક્તોને સમજાવી  દેજે કે !!!!!!!

“પ્રાતઃ સ્મરણીય ભક્ત વત્સલ ભગવાન શ્રી દ્વારિકાનાથ રાજધાનીના શહેર દ્વારિકાથી ગુજરાત

વિધાનસભામાં પ્રવેશવા ડંકાની ચોટ પર આજે શંખનાદ કરે છે “….

” જય હો દ્વારિકાનાથનો   …જય રણછોડ …જય દ્વારિકાધીશ.”

મેં કહ્યું વાંધો નહિ હું આજે જ દ્વારિકા પ્રયાણ કરું છું .

આજ કાલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ જોરશોરથી ચાલી રહયો છે.

દ્વારિકા જઈ મેં મતદાર અધિકારીની  ઓફિસમાં જઈ મતદાર યાદીમાં નામ ઉમેરવાનું ફોર્મ લઇને  ભર્યું .

મતદાર અધિકારી  સાહેબ કહે ભાઈ આ કોના નામનું ફોર્મ ભરો છો ?

મેં કહ્યું  “રાજરાજેશ્વર દ્વારિકાધીશના નામનું ફોર્મ ભરું છું “
.
મતદાર અધિકારી સાહેબ કહે આ વળી રાજ રાજેશ્વર નવતર પ્રાણી કોણ છે ?

“અત્યારે તો ગુજરાતના રાજ રાજેશ્વર કહો કે ગુજરાતના નાથ તો માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જ છે “

મેં કહ્યું આ રાજ રાજેશ્વર એટલે “દ્વારિકાનો નાથ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણજી મહારાજ.”

“આ કૃષ્ણભાઈનું  રેશન કાર્ડ લાવો તેમના રહેઠાણનો દાખલો લાવો તેમનો પાન કાર્ડ નંબર લાવો.”

તેમને ઓળખતા હોય તેવા બે સાક્ષીઓ લાવો .

પંચાયત અગર મ્યુનીસીપલ દ્વારા રહેઠાણનું  પ્રૂફ લાવો આવા અનેક ઘણા સવાલ તેમણે કર્યાં.

મેં કહ્યું ભાઈ આતો સોનાની દ્વારિકાના રાજા છે. દેવાધિદેવ છે . તે આખા જગતના નાથ છે .

મતદાર અધિકારી કહે જો આટલું બધું હોય તો ” તે ઇન્કમ ટેક્સ ભરતા હશે તેનું પ્રૂફ લાવો .”

જો એ આખા જગતના  નાથ હોય તો પછી એમને મતદાન શા માટે કરવું છે ?

એમને ચુંટણીમાં ઉમેદવારી શા માટે કરવી છે ?

“આખી સોનાની દ્વારકાના ધણી હોય તો પછી ચુંટણીમાં ઉભા રહી ભાડાં ભથ્થાં અને કટકી કરીને

કેટલી દ્વારિકાઓ વસાવવી છે.” આટલું બધું હોવા છતાં ધરાતા જ નથી. ?

મેં કહ્યું ભાઈ આ “પ્રધાનો એકાદ દશકમાં કેટલું બધું કમાયા છે” છતાયે હજુ ધરાતા જ નથી એનું શું ?

મતદાર અધિકારી કહે જુઓ ભાઈ આ દાખલાની પંચાતમાં  પડ્યા વગર અમને પણ સોનાની દ્વારકાવાળા

પાસેથી  લાખ બે લાખની પ્રસાદી ધરાવી દો તો આપનું કામ થઇ જશે બોલો છે મંજુર  ?

મેં કહ્યું સાહેબ આપના સાહેબ તો કહે છે કે ” હું ખાતો નથી અને ખાવા દેતો નથી “

ભાઈ આ બધા “ભાષણીયા ભજનોનાં મંજીરા ખખડાવે છે ” બધા જ ખાય છે અને ખાવા દે છે સમજ્યા !

જોયું નહિ આ પરસોતમ સોલકી ૪૦૦ કરોડ ખાઈ ગયા હાઇકોર્ટ પણ કહે છે  “તોય સરકાર માનતી નથી “.

એટલે રોકડ રકમની મિઠાઈ ધરાવશો નહિ ત્યાં સુધી કોઈ કામ થશે નહિ .

જુઓ આ તમારા ભગવાન કહો કે દેવ કહો………………………………………….
 
“જયારે બઢતી કે બદલીની અરજી લઇ મંદિરમાં જઈએ છીએ ત્યારે પ્રથમ એક શ્રીફળ વધેરીને એકાવન કે

એકસો એકનો પ્રસાદ ધરાવીએ ત્યારે જ અરજી ધ્યાને લે છે ”   આ પ્રથા તેમનાથી જ ચાલી આવે છે !

મેં કહ્યું ચાલો તમને પ્રસાદ ધરાવી દઉં છું. બસ હવે તમે રાજી ને ?

તો સાહેબ કહે ચાલો લાવો ફોર્મ નામ દાખલ થઇ જશે.

એમની ઉમર ૧૮ વર્ષની ઉપરની છે ને ?

” આ તમે નાના બાળકનો માખણ ખાતો ફોટો લાવ્યા છો એટલે જરા ચકાસણી કરવી પડે ને “

“નહિતર બાબલા બાબલીના ફોટા હોય ને પાછા બોગસ મતદાન કરવા આવી જાય એટલે જરા પુછુ છું ?

ફોર્મમાં વિગતો આ પ્રમાણે હતી.

મતદારનું નામ –  “કૃષ્ણભાઈ વાસુદેવ યાદવ “

પિતાનું નામ –  “વાસુદેવભાઈ યાદવ ” -અને  ” નંદભાઈ “

ઉમર –  “યુગોના યુગો “

માતાનું નામ – “દેવકી બહેન ” અને  “જશોદા બહેન “

સરનામું-  “દ્વારિકા નગર “,   “સમુદ્ર કિનારે  “. ” રાજમહેલ “.

 મતદાર અધિકારી સાહેબે ફોર્મ ચકાસી  મંજુર છે એમ કરી નામ દાખલ કરી દીધું ને કહેવ લાગ્યા .

દ્વારિકા શહેરની મતદાર યાદીમાં” ક્રમાંક નંબર ૧૦૦૮ પર કૃષ્ણભાઈ વાસુદેવભાઈ યાદવ “નામ આવશે

જોકે ભેટ અને પ્રસાદ સાથે ચા ભજીયાં ગાંઠિયાના ઓડકારથી આખી મતદાર અધિકારીની  કચરી સંતુષ્ઠ હોઈ

ઝાઝી ખણખોદ કર્યાં સિવાય મતદાર યાદીમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીનું નામ દાખલ થઇ ગયું .

મેં હર્ષ ઉલ્લાસથી આનંદના ઉદગાર કાઢી પ્રભુ કાર્ય સુપેરે પર પડ્યાનો ઓડકાર ખાધો.

નોધ- હવે પછીના હપ્તાઓમાં વિગતવાર “દ્વારિકા વિધાનસભા= ૩૧  ” માટે દ્વારિકાધીશ ટીકીટની માંગણી કરે

છે

દ્વારિકાધીશ બાયોડેટા બનાવી દરેક પક્ષોના કાર્યાલયે જાય છે ત્યારે પક્ષોના પાર્લામેન્ટ્રી બોર્ડ દ્વારા કેવા કેવા

સવાલ જવાબ થાય છે .

 ભગવાન દ્વારિકાધીશના પ્રત્યુતરોની રોમાંચક કથા હાસ્ય અને કટાક્ષ સહીત  માણવા “ગોદડિયો ચોરો” વાંચો.

સાટકો – “જગતના વહેવારોની કથા પણ કૈક એવી અનેરી છે

                 કે જગતના નાથને પણ પુરાવા આપવા પડે છે “

================================================================================

સ્વપ્ન જેસરવાકર

તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ…


 

તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ…

======================================================

આદરણીય વડીલો પ્યારા મિત્રો અને વહાલસોયી બહેનો ……….

 

આપ સહુના આશિર્વાદ અને પ્રેમથી ભરપુર સહયોગના સફળ સંકલનના સથવારે

 
” પરાર્થે સમર્પણ ” આજે ત્રીજી જુલાઈના રોજ તૃતીય વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.

આપનો પ્રેમ ભર્યો સંદેશ અને સરહના કદાપી ભૂલી શકાય  તેમ નથી .

 

આવો જ પ્રેમ અને સહકાર આગામી વર્ષોમાં પ્રાપ્ત થતો રહેશે એવી અભિલાષા સહ

 

‘સ્વપ્ન ‘ જેસરવાકરનાં  (ગોવિંદ પટેલ ) વંદન…નમસ્કાર ..

 

============================================= 

========================================================

કૃતિઓ ======================   ૩૫૨

મુલાકાતીઓની સંખ્યા ========          ૧,૫૮,૮૬૧ 

ભાવ પ્રતિભાવનો મંગલ નાદ=======  ૩૩૫૦

 

============================================================

પ્રથમ વંદુ શ્રી શારદા મૈયા સુંદર બુદ્ધિ  વિચાર ને લેખન શક્તિ આપી રે

દ્વિતીય વંદુ શ્રી ઈન્ટરનેટ દેવા સકળ જગતને એક તાંતણે દીધું બાંધી રે

તૃતીય વંદુ વર્ડપ્રેસ ડોટ કોમ જેણે મફત બ્લોગ કેરી સુવિધાઓ આપી રે

ચતુર્થ વંદુ વહાલા બ્લોગર મિત્રો જેમણે પ્રતિભાવોથી લીધો છે માપી રે

પંચમ વંદુ ફેસબુક યાહુ ગુગલ મિત્રો જેમની મુલાકાતી સંખ્યા વ્યાપી રે

સર્વેને વંદે છે ” સ્વપ્ન જેસરવાકર ” આજે આગળ પણ લેજો નિભાવી રે

 

==================================================================================

સ્વપ્ન જેસરવાકર