Monthly Archives: માર્ચ 2014

જગતનું સૌથી મોટુ જંગલ ભારત કરતા અઢી ગણુ મોટુ છે!


જગતનું સૌથી મોટુ જંગલ ભારત કરતા અઢી ગણુ મોટુ છે!

આજે વિશ્વ વન દિવસ: જગતના અરણ્યો વિશે અદ્ભૂત વાતો

રૃડયાર્ડ કિપલિંગને જંગલ બૂક લખવાની પ્રેરણા મધ્ય પ્રદેશમાંથી મળી હતી

અમદાવાદ, માર્ચ 21, 2014
જગતભરના વનોના સંરક્ષણ માટે 21મી માર્ચનો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે. વિશ્વ વન દિવસ નિમિતે જાણીએ જગતના વિવિધ જંગલો વિશેની રસપ્રદ વિગતો..
– દક્ષિણ અમેરિકા ખંડની એમેઝોન નદીના નિતાર પ્રદેશમાં ફેલાયેલા એમેઝોનના જંગલો 70 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા છે. એ જગતનો સૌથી મોટો ગાઢ વન વિસ્તાર છે. જોકે સૌથી મોટા જંગલો રશિયાની ઉત્તરે આવેલા સાઈબિરિયાના જંગલો છે. સાઈબિરિયાનું જંગલ 85 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે. એટલે કે આખા ભારતના વિસ્તાર કરતા અઢી ગણા વિસ્તારમાં માત્ર જંગલ જ છે.
– દર સેકન્ડે ફૂટબોલના મેદાન જેટલા વર્ષા જંગલો સાફ થઈ રહ્યાં છે. જ્યાં બારેમાસ વરસાદ પડતો રહેતો હોય, વાતાવરણ ભેજવાળુ હોય અને વનરાજી અત્યંત ગાઢ હોય એવા જંગલો વર્ષા જંગલ તરીકે ઓળખાય છે.

– વાંસનો છોડ એક દિવસમાં 9 ઈંચ સુધી વૃદ્ધિ પામી શકે છે. વાંસ જોકે ઘાસ છે, વૃક્ષ નથી.
– એશિયા અને દક્ષિણ અમેરિકાના ગાઢ જંગલોમાં ઉડતા સાપ, ઉડતા દેડકા અને ઉડતી ખિસકોલી જેવા સજીવો જોવા મળે છે.
– પૃથ્વીના 31 ટકા ભાગ પર વનો વિસ્તરેલા છે. એ વનોનો કુલ વિસ્તાર 4 અબજ હેક્ટર જેટલો થાય છે.
– જગતમાં દસ દેશો એવા છે, જેની પાસે જંગલો જ નથી. તો સામે પક્ષે સાત દેશો એવા છે, જેની પાસે જગતનો 60 ટકા વન વિસ્તાર છે.
– સૌથી વધુ જંગલો ધરાવતા દસ દેશોમાં પહેલો ક્રમ રશિયાનો આવે છે, જેની પાસે સાઈબિરિયાના જંગલો છે. એ પછી બ્રાઝિલ, કેનેડા, અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, કોંગો, ઈન્ડોનેશિયા, અંગોલા અને પેરુનો ક્રમ આવે છે.
-દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા દેશ સુરિનામનું ક્ષેત્રફળ 1,63,821 ચોરસ કિલોમીટર છે. તેમાંથી1,47,760 વિસ્તારમાં જંગલો આવેલા છે. એટલે કે દેશના 90 ટકાથી વધારે હિસ્સામાં જંગલ ફેલાયેલા છે. ગેબોન, સોલોમન ટાપુ, સેશલ્સ ટાપુ, પાલાઉ, તુવાલુ વગેરે દેશો એવા છે, જેની 80 ટકા કરતા વધારે ભુમિ પર જંગલો ફેલાયેલા છે.

– મધ્ય પૂર્વમાં આવેલા ઈસ્લામિક રાષ્ટ્ર કતારના નામે અનોખો રેકોર્ડ છે. ત્યાંની જમીન પર જંગલ જ નથી. તો વળી માલ્ટા, બેહરિન, માલદિવ્સ, કુવૈત, દિજબોતી, લિસોથો, ઈજિપ્ત, લિબિયા, મારિટાનિયા, યમન.. વગેરે એવા રાષ્ટ્રો છે, જેની ભૂમિ પર એક ટકા કરતા પણ  ઓછા જંગલો છે.
– પોલેન્ડમાં આવેલા ક્રુક્ડ નામના જંગલો ત્યાં ઉગતા વિચિત્ર આકારના વૃક્ષોને કારણે પ્રસિદ્ધ થયા છે. અહીં પાઈનના 400 એવા વૃક્ષો છે, જે જમીનમાંથી બહાર નીકળ્યા પછી જમીન સરસા ઉગે અને પછી વળાંક લઈ સીધા થાય. માટે બધા વૃક્ષો ચોક્કસ આકારમાં ઉગાડ્યા હોય એવુ મનોહર દૃશ્ય સર્જાય છે.
– 1986માં રશિયાના ચેર્નોબિલ વિસ્તારમાં ધડાકો થયા પછી અહીંનો આસપાસનો વિસ્તાર રેડિયેશનને કારણે રતાશ પડતો થઈ ગયો છે. એટલે દૂરથી જોતા એ જંગલ લાલ કલરનું લાગે છે. પરિણામે એ વિસ્તાર હવે રેડ ફોરેસ્ટ તરીકે જ ઓળખાય છે.

– રૃડયાર્ડ કિપલિંગે લખેલી વિશ્વવિખ્યાત વાર્તા જંગલ બૂક તેમણે મધ્ય પ્રદેશના જંગલોમાં ફરીને લખી હતી. એ જંગલો હવે કાન્હા નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે.
– જાપાનના ફૂજી પર્વત પાસે આવેલુ જંગલ સુસાઈડલ ફોરેસ્ટ અથવા તો સી ઓફ ટ્રી તરીકે ઓળખાય છે. કેમ કે અહીં સંખ્યાબંધ ગુફાઓ આવેલી છે. પરંતુ એ ગુફાઓ સરળતાથી દેખાતી નથી. એટલે જમીન પર ઘાસ છે એમ સમજીને કોઈ તેના પર પગ મુકે તો સીધો પાતાળમાં પહોંચે એવુ બને છે.

 

સૌજન્ય=ગુજરાત સમાચાર

=============================================================================

સ્વપ્ન જેસરવાકર