સેનાપતિઓ ! સાંભળો ! તમારે કોઈ પણ ભોગે કાશ્મીરને બચાવવાનું છે !


એકતા અખંડતાના  શિલ્પી એવા સરદારશ્રી ને જન્મ દિને કરોડો વંદન..

sardarvallabhbhaipatel

saurastra-raajy

સેનાપતિઓ ! સાંભળો ! તમારે કોઈ પણ ભોગે કાશ્મીરને બચાવવાનું છે !

=============================================

ઝીણા તો શ્રીનગરની વિજય યાત્રામાં ભાગ લેવા તૈયાર થઈને બેઠા હતા .

” અબ તો તુમ્હારા, હૌંસલા જરા બુલંદ કરો,

 જો મીલ કે પથ્થર થેં, અબ દિવાલ બન ગયે.”

ઇતિહાસનો એ ઘોર અંધાધૂંધીભર્યો સમય હતો.

કયો સૈનિક કે કયો અફસર કાશ્મીરના મહારાજાના પક્ષે છે અને કયો પાકિસ્તાનનું પડખું સેવે છે,

એનો કોઈ અંદાજ આવતો નહોતો. કોના પર ભરોસો મૂકવો, એ જ યક્ષ પ્રશ્ન હતો. ભારતીય

ગુપ્તચર ખાતાના એંસી ટકા ગુપ્તચરોએ પાકિસ્તાનમાં જવાનું પસંદ કર્યું હતું.

ભારતની ગુપ્તચર સેવા સાવ ખોરવાઈ ગઈ હતી.

સૈનિકના  વેશમાં  પાકિસ્તાનના  હુમલાખોરો આવતા  હતા અને કાશ્મીર  પર  ચડાઈ  કરીને

એમણે  મુઝફ્ફરાબાદ અને  રાહુરાનું  વિજય  મથક  કબજે  કર્યું.  પાકિસ્તાની  સૈનિકો  છેક

બારામુલ્લા  સુધી  આવી  પહોંચ્યા  અને એમને સામે  શ્રીનગર  દેખાતું  હતું !

કાશ્મીરના રાજા હરિસિંઘ સ્વતંત્ર દેશના સ્વપ્ના સેવતાં હતાં. સરહદના તાયફાવાળાઓને

સઘળાં શસ્ત્ર સરંજામ આપીને પાકિસ્તાન આગળ ધસતું હતું.

સ્વતંત્ર દેશ તરીકે કાશ્મીરને રાખવાના સ્વપ્નાં સેવતા રાજા હરિસિંહનો મદાર આઠ હજાર ડોગરા

સૈનિકો પર હતો, પરંતુ એમાંથી ત્રીજા ભાગના મુસલમાન હોવાથી એ બધા પોતપોતાના શસ્ત્રો

સાથે હુમલાખોરોમાં ભળી ગયા. કાશ્મીરની ફોજના કર્નલ નરેન્દ્રસિંહ પરિસ્થિતિનો પાર પામી

શક્યા નહી અને પાકિસ્તાનના પક્ષે ગયેલા સૈનિકોએ એમની ક્રૂર હત્યા કરી.

પાકિસ્તાને કાશ્મીરની કાથુઆથી ભીંબર સુધીની બસો માઇલની સરહદ પર ઘુસણખોરો અને

છાપામારોને શસ્ત્ર સરંજામ સાથે મોકલ્યા હતા. જમ્મુના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પણ પાકિસ્તાન

સાથે ભળી ગયા હતા. મહારાજા હરિસિંઘનું સૈન્ય વિખરાઈ ગયું હતું. હુમલાખોરો લૂંટફાટ,

અત્યાચાર, બળાત્કાર અને આતંક ફેલાવી રહ્યા હતા.

કાશ્મીરના મહારાજા હરિસિંઘ અને મુખ્યપ્રધાન મહાજન ભીંબરમાં જ્યાં રહેવાના હતા, એ ડાક

બંગલાને ઉડાવી દેવાની પાકિસ્તાને યોજના કરી હતી. બંગલો ઉડાડી દીધો, પણ મહારાજા અને

મુખ્યપ્રધાને પોતાનો રસ્તો બદલ્યો હોવાથી ઉગરી ગયા. ૨૩મી ઑક્ટોબરે મુઝફરાબાદ થઈને

પાકિસ્તાનની લોરીઓ, જીપો, બીજા વાહનો અને સશસ્ત્ર પાકિસ્તાનીઓ કાશ્મીરમાં પ્રવેશ્યા.

પાકિસ્તાન સરકારના કહેવાથી પેશાવરની પોલિટિકલ એજન્સીએ આ આક્રમણની વ્યવસ્થાનું

સઘળું આયોજન સંભાળ્યું હતું.

કાશ્મીરના મહારાજાએ વચ્ચે આવેલા પૂલને ઉડાવી દેવાનું વિચાર્યું પણ એને માટે રાજ્યમાં પૂરતો

ડાઇનેમાઇટ નહીં હોવાથી તે શક્ય બન્યું નહી. ડોગ્રા લશ્કરના થોડા સૈનિકોએ આને

અટકાવવાની કોશિશ કરી, પણ એ મુશ્કેલ હતું. ૨૪મી ઓક્ટોબરે તંગદિલી દેખાય નહી તે માટે

મહારાજાએ દશેરાની ઉજવણી કરી.

બીજી બાજુ શ્રીનગર તરફ પાંચ હજાર તાયફાવાળાઓ ધસી આવતા હતા, એથી પ્રજામાં ભય

વ્યાપી ગયો હતો. શ્રીનગરથી ભાગીને સુરક્ષિત એવા જમ્મુમા આશરો લેવા સહુ દોડતા હતા.

કાશ્મીરની હાઇકોર્ટ પણ શ્રીનગરથી જમ્મુમાં ખસેડવાની વાત ચાલી.

૨૪મી ઑક્ટોબરની સાંજ સુધી તો નવી દિલ્હીને કાશ્મીરની કફોડી હાલતનો કશો અણસાર

મળ્યો નહોતો. કાશ્મીર એટલી બધી અંધાધૂંધીમાં ફસાયેલું હતું કે આ સમાચાર પણ એ દિલ્હી

સુધી પહોંચાડી શક્યું નહોતું. પળેપળ કટોકટીભરી હતી, પણ સામે અંધાધૂંધી વધતી જતી હતી.

૨૨મી ઓક્ટોબરે સૌરાષ્ટ્રના માણાવદર, માંગરોળ અને બાબરીયાવાડમાં પ્રવેશવાના ગૃહમંત્રી

સરદાર વલ્લભભાઈ પટેલના નિર્ણયને કેન્દ્રના પ્રધાનમંડળે બહાલી આપી. ૨૩મી ઓક્ટોબરે

માણાવદરનો કબજો લેવાયો. હજી રજવાડાના વિલીનીકરણની આ ઘટનાના પડઘા શમે, ત્યાં

સરદાર સામે નવા સમાચાર આવ્યા.

૨૪મી ઓક્ટોબરે કાશ્મીરની કફોડી હાલતના સમાચાર મળ્યા. કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી

કાશ્મીરના મહારાજા હરિસિંઘનો ભારતમાં ભળી જવાની કાકલૂદીભરી વિનંતી કરતો પત્ર લઈને

નવી દિલ્હી આવ્યા. મહારાજાએ એમને બીજા બે પત્રો પણ આપ્યા હતા. જેમાં એક પત્ર પં.

જવાહરલાલ નેહરુ માટે અને બીજો સરદાર વલ્લભભાઈ પટેલને ઉદ્દેશીને લખેલો હતો. એ

પત્રોમાં કાશ્મીરને બચાવવા માટે સૈનિકો અને શસ્ત્રોની માંગ કરવામાં આવી હતી.

૨૫મી ઓક્ટોબરે પ્રધાનમંડળની સંરક્ષણ સમિતિની બેઠક મળી. વિચિત્ર વાત એ હતી કે લોર્ડ

માઉન્ટબેટન ભારતની સંરક્ષણ સમિતિના અધ્યક્ષસ્થાને હતા. એમણે એવો સવાલ કર્યો કે જે

રાજ્ય પોતાનામાં ભળેલું ન હોય, ત્યાં ભારત કઈ રીતે પોતાનું લશ્કર મોકલી શકે ? પં. જવાહરલાલ

નેહરુએ કહ્યું કે પાકિસ્તાની હુમલાખોરોના પ્રતિકાર માટે શેખ અબ્દુલ્લાની સહાય લેવાનો

વિચાર કરવો જોઈએ. આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલની સિંહગર્જના સંભળાઈ. સરદાર

વલ્લભભાઈએ દ્રઢતાથી કહ્યું કે, ‘કાશ્મીર ભારત સાથે જોડાયું હોય કે ન જોડાયું હોય, તે સાવ

ભિન્ન બાબત છે. હાલ તો એના મહારાજાએ આપણી પાસે લશ્કરી સહાયની માંગણી કરી છે અને

તે આપવામાં મને કોઈ મુશ્કેલી દેખાતી નથી.’

કાશ્મીરના વડાપ્રધાન મહેરચંદ મહાજને કાશ્મીરની છેલ્લામાં છેલ્લી અતિ ગંભીર પરિસ્થિતિથી

સહુને વાકેફ કર્યા. કાશ્મીરના વડાપ્રધાન શ્રી મહેરચંદ મહાજને ભારપૂર્વક કહ્યું કે, કાશ્મીરને

બચાવવું હોય તો બારામુલ્લા અને શ્રીનગર તરફ ધસી રહેલા પાંચ હજાર શસ્ત્રસજ્જ

ઘૂસણખોરોને અટકાવવા જોઈએ અને શ્રીનગરને બેફામ લૂંટ, ક્રૂર, હત્યા અને ભયાનક

વિનાશમાંથી બચાવવું જોઈએ.

પં. નહેરુએ મહાજનને કહ્યું કે, લશ્કર મોકલવાનો નિર્ણય આટલો ઝડપી લઈ શકાય નહીં. આને

માટે પૂરતી તૈયારી અને ગોઠવણ કરવી જરૃરી બનશે. કાશ્મીરના મુખ્યપ્રધાન શ્રી મહેરચંદ

મહાજને જોયું કે ભારતના વડાપ્રધાન પં. નહેરુ આ વિષયમાં તત્કાળ કોઈ પગલું ભરવાનું

વિચારતા નથી.

મહાજનના અભિપ્રાય મુજબ એવી પરિસ્થિતિ હતી કે હવે લશ્કરી સહાયમાં થોડો પણ વિલંબ

થાય, તો કાશ્મીર પર તાયફાવાળા તોફાન મચાવીને પાકિસ્તાનની સત્તાની સ્થાપના માટે રસ્તો

સરળ બનાવી દેશે. પાકિસ્તાનના જિન્નાહ તો શ્રીનગરની વિજય યાત્રામાં ભાગ લેવા માટે તૈયાર

થઈને બેઠા હતા. શ્રી મહેરચંદ મહાજને છેલ્લા ઉપાય તરીકે એક પાસો ફેંકતા કહ્યું, ‘અમને જરૃરી

લશ્કરી દળો આપો, તમારે જે લોકપ્રિય પક્ષને સત્તા આપવાની ઇચ્છા હોય તેને કાશ્મીરમાં સત્તા

આપો, પરંતુ આજે સાંજે લશ્કર અહીંથી શ્રીનગર રવાના થવું જોઈએ, નહીંતર હું લાહોર જઈને

મોહમ્મદઅલી ઝીણા સાથે વાટાઘાટ કરીશ.’

મહાજનના આ શબ્દોએ વાતાવરણમાં ઉત્તેજના આણી દીધી. મહાજન કાશ્મીરના વડાપ્રધાન

હોવાની સાથે કાશ્મીરના મહારાજાના સલાહકાર પણ હતા. કાશ્મીરના મહારાજાએ આઝાદીના

આંદોલન સમયે એક વખત પં. નેહરુને કેદ પણ કર્યા હતા.

પં. નહેરુ કાશ્મીરના શેખ અબ્દુલ્લા તરફ વિશેષ ઝુકાવ ધરાવતા હત અને એથી જ જ્યારે

મહાજને એમ કહ્યું કે, કાશ્મીરના મહારાજાનો એમને આદેશ છે કે, જો ભારત તરત મદદ કરે, તો

કાશ્મીરને બચાવવા પાકિસ્તાનનો સાથ મેળવવા પ્રયાસ કરવો. આ સાંભળતા જ પં. નેહરુએ

ગુસ્સે મહાજનને કહ્યું, ‘તો મહાજન, તમે ચાલ્યા જાવ.’

મહેરચંદ મહાજન ઊભા થયા અને બહાર જવા જતા હતા, ત્યાં સરદાર પટેલ મહાજનને સહેજ

અટકાવીને કાનમાં કહ્યું, ‘પણ મહાજન, તમારે પાકિસ્તાન જવાનું નથી.’ આ સમયે શેખ

અબ્દુલ્લાએ પણ કાશ્મીરની ગંભીર પરિસ્થિતિ વિશે વાત કરતાં પં. નહેરુ વિચારમાં પડયા. શેખ

અબ્દુલ્લાએ ભારપૂર્વક કહ્યું કે, કાશ્મીરને બચાવવા માટે તાત્કાલિક મદદ આપવી જરૃરી છે.

અત્યાર સુધી આ બધી ચર્ચા સાંભળી રહેલા સરદાર સ્પષ્ટ અને નિર્ણયાત્મક શબ્દોમાં કહ્યું,

‘સેનાપતિઓ સાંભળો, ગમે તે ભોગે કાશ્મીરને બચાવવાનું છે. તમારી પાસે સાધન- સામગ્રી હોય

કે ના હોય, તમારે આ કાર્ય પાર પાડવાનું છે. સરકાર તમને તમામ પ્રકારની મદદ કરશે.’

આટલું કહ્યા પછી સરદારે દ્રઢ અવાજે ઉમેર્યું, ‘જુઓ, તમારે આ કામ પાર પાડવાનું છે. જરૃર, જરૃર

અને જરૃરથી’ (સરદાર ‘જરૃર’ શબ્દ ત્રણવાર બોલ્યા હતા.) ગમે તે થાય, પણ આ કાર્ય સિદ્ધ

કરવાનું છે. કાલ સવારથી ‘ઓપરેશન એરલિફ્ટ શરૃ કરી દો. કોઈ પણ ભોગે કાશ્મીરને

બચાવવાનું છ.’ આટલું બોલીને સરદાર સભામાંથી બહાર નીકળ્યા.

સરદારે નિર્ણાયત્મક અવાજે કાશ્મીરમાં તત્કાળ લશ્કર મોકલવાનો દ્રઢ સંકલ્પ કર્યો. એ રાત્રે જ

ભારતીય લશ્કરની બે કંપની હવાઇ જહાજ મારફતે શ્રીનગર મોકલવાનો નિર્ણય લેવાયો.

દિલ્હીના સંરક્ષણ મથકે રાતભર ધમાલ થઈ રહ. લશ્કરી અધિકારીઓ અને સનદી અમલદારોએ

આખી રાત જાગીને પાયલોટો, હથિયારો અને પુરવઠો એકઠો કર્યો. જગતના ઇતિહાસમાં હવાઈ

જહાજ મારફતે આટલું મોટું લશ્કર મોકલવાની વિરલ ઘટના સર્જાઈ.

એ સમયે દેશમાં સહુને માટે એક આશ્ચર્ય સર્જાયું. નાગરિકો માટેના દેશના તમામ વિમાનો દિલ્હી

પહોંચી ગયા. નાગરિક માટેનું વિમાન હોય કે લશ્કરનું વિમાન હોય, પણ તેમાં દિલ્હીથી એકસો

વિમાન મારફતે લશ્કર શ્રીનગર પહોંચ્યું.

સરદાર પટેલના નિર્ણયે એક નવી પરિસ્થિતિ ઉભી કરી. સરદાર પટેલ દ્રઢ નિર્ણયના માનવી હતા

અને એ જ રીતે એ નિર્ણયના પૂર્ણ અમલીકરણને ચકાસનારા હતા. લશ્કર વિમાન મારફતે ગયું તે

પૂર્વે સ્કવોડ્રન લીડર ચીમનીએ સરદાર પટેલને કાશ્મીરમાં વિમાન મારફતે જવા તૈયાર થઈ રહેલી

સેનાની માહિતી આપી.

હજી લશ્કરનો પહેલો કાફલો પહોંચે, ત્યાં જ સરદાર પટેલે ખુદ કાશ્મીર જવા માટે ભારતીય હવાઈ

દળના વિમાનની માંગણી કરી. એમને કાશ્મીરની જાત તપાસ કરવી હતી. લશ્કર મોકલ્યું, પણ

એની જરૃરિયાતો પ્રત્યક્ષ રીતે જાણવી હતી.

શ્રીનગરના હવાઈ મથક પર અગાઉના દિવસે ત્રણસો જેટલા ઘૂસણખોરોએ હુમલો કર્યો હતો.

એના અર્ધા ભાગ પર ઘૂસણખોરોનો બોંબમારો ચાલતો હતો. આવે સમયે કાશ્મીરમાં જવું એ

સામે ચાલીને જાનનું જોખમ વહોરવા જેવું હતું. સરદાર કદી આવા જોખમોથી ડર્યા નહોતા.

મૃત્યુનો એમને કશો ભય નહોતો, આથી તેઓ મણિબહેન અને બીજા સ્ટાફના સભ્યોની સાથે

કાશ્મીર જવા નીકળ્યા.

કોઈકે એમ કહ્યું કે આવા જોખમી સફર માટે કમાન્ડર ઇન ચીફ સર રોય બૂચર તમને પરવાનગી

નહિ આપે. બોંતેર વર્ષના સરદાર પટેલે કહ્યું કે એ અંગે તમારે ચિંતા કરવાની જરૃર નથી. માત્ર મને

જવા માટે વિમાન આપો.

સરદાર પટેલ તત્કાળ શ્રીનગર ગયા. જઈને સીધા ભારતીય લશ્કરના બ્રિગેડિયર સેનને કહ્યું કે,

તમારે કોઈ પણ ભોગે વિજય મેળવવાનો છે. એને માટે તમારી જે જરૃરિયાત હોય, તે તત્કાળ

જણાવો તે મળે તેવો પ્રબંધ કરીશ. સરદાર પટેલે આવશ્યકતાઓની યાદી કરી લીધી. તરત જ

દિલ્હી પાછા ફર્યા. સેનાપતિ એમને શ્રીનગરના હવાઈ મથક સુધી વળાવવા આવવા માંગતા

હતા, ત્યારે સરદારે કહ્યું, ‘તમારે વળાવવા આવવાની જરૃર નથી. તમે તમારું કામ કરો અને હું

મારું કામ કરું.’ સરદાર રાત્રે દિલ્હી પહોંચ્યા અને તરત જ મધરાતે ફોન કરીને સઘળી

સાધનસામગ્રી તૈયાર કરાવી મોકલી આપી.

સરદાર પટેલે જોયું કે, આ લડાઈ લાંબી ચાલવાની છે. આથી જમ્મુ અને પઠાણકોટ વચ્ચે ભારે

વજનદાર લશ્કરી વાહનો ચાલી શકે, તેવા મજબૂત રસ્તાની જરૃર છે. આ રસ્તો આઠ મહિનામાં

તૈયાર થવો જોઈએ. આ અંગે સરદાર પટેલે જાહેર બાંધકામ ખાતાના મંત્રી ગાડગીલને બોલાવ્યા.

એમને નકશો ખોલીને સરદારે જમ્મુથી પઠાણકોટનો ૬૫ માઇલનો લાંબો રસ્તો બતાવ્યો. કહ્યું કે

આ રસ્તો યુદ્ધ સમયે ઉપયોગમાં લેવાય તેવો બનાવવો છે. શ્રી ગાડગીલે કહ્યું, ‘આ નકશામાં માત્ર

રસ્તો બતાવ્યો છે, પણ એમાં વચ્ચે આવતી ટેકરીઓ નથી. નદી પર બાંધેલા નાળા નથી. આ

બધાનો વિચાર કરવો પડે.’
સરદાર પટેલે કહ્યું, ‘આ બધાનો વિચાર કરજો, પણ આ કામ કોઈ પણ હિસાબે થવું જોઈએ.’

પાંસઠ માઇલનો રસ્તો બાંધવા માટે રાજસ્થાનથી ખાસ ટ્રેનો મારફત મજૂરો બોલાવવામાં

આવ્યા. રાત્રે કામ ચાલે, તે માટે ફ્લડલાઇટો મૂકાવી. મજૂરો માટે દવાખાનાં અને હરતા-ફરતા

સિનેમાઓ ઊભા કર્યા. ચીજવસ્તુઓ મળી રહે તે માટે બજાર ઊભું કર્યું.

અંતે સરદારની ઇચ્છા મુજબ પાંસઠ માઇલનો રસ્તો સમયસર પસાર થઈ ગયો.

===========================================================================  સંયોજક ===સ્વપ્ન જેસરવાકર

Advertisements

4 thoughts on “સેનાપતિઓ ! સાંભળો ! તમારે કોઈ પણ ભોગે કાશ્મીરને બચાવવાનું છે !

  1. સરદાર પટેલ ને લોકો લોખંડી રાજ પુરુષ કેમ કહે છે એ આ લેખ વાંચવાથી જણાઈ આવશે. કાશ્મીર નું કોકડું ગુંચવવામાં નહેરુની દખલગીરીનો ફાળો છે.

    લોખંડી પુરુષ સરદાર પટેલને એમના જન્મ દિને વંદન..

    Like

આપનો અમુલ્ય પ્રતિભાવ દર્શાવો.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s