Monthly Archives: ઓગસ્ટ 2017

આઝાદી કેરી રણભેરી બજી….કાવ્ય


આઝાદી કેરી  રણભેરી  બજી….કાવ્ય

=============================================

સત્યાગ્રહને  સથવારે  રે  આઝાદી કેરી રણભેરી બજી

અહિંસાને     આધારે    રે  આઝાદી  કેરી  રણભેરી  બજી.

સુકલકડીમાં એવી  શૂરતા  ભરી

અંગ્રેજ  વિલાયત ભાગે રે આઝાદી  કેરી રણભેરી  બજી.

ટુંકી પોતડી  પ્રેમે  અપનાવી

રેટિયા કેરા  રણકારે   રે  આઝાદી   કેરી  રણભેરી  બજી.

બારડોલીએ તો દીધા ડોલાવી

સરદાર શા   શુરવીરે રે આઝાદી કેરી   રણભેરી   બજી.

લાલ ગુલાબ તો રહ્યું  છે શોભી

જવાહર   જેવા  હીરે  રે   આઝાદી  કેરી    રણભેરી   બજી.

આઝાદ હિન્દ ફોજના લલકારે

સુભાષચંદ્રની   હાંકે   રે   આઝાદી  કેરી    રણભેરી    બજી.

લાલાજી,  સુખદેવ ને ભગત સાથે

શહીદો કેરી શહાદતે  રે   આઝાદી  કેરી    રણભેરી   બજી.

નામી  અનામી   શહીદોની  સાખે

રણબંકાની  રણહાંકે   રે     આઝાદી  કેરી    રણભેરી   બજી.

ઓગષ્ટ માસ ને પંદરમી રાત્રે

આઝાદી ઉજાસ આકાશે રે આઝાદી કેરી   રણભેરી   બજી.

નવયુવાનો  હવે  સંકલ્પ  જ કરો

જગત જાગે ત્રિરંગાના સાદે રે આઝાદી કેરી રણભેરી બજી.

=============================================

 સ્વપ્ન  જેસરવાકર 

રક્ષા બંધન …..કાવ્ય


      રક્ષા બંધન …..કાવ્ય 

=======================================================

 આવ્યો   શ્રાવણ  માસ , બહેનીને  રક્ષા  બંધનની  આશ,

રક્ષા  બંધન  અવસર  ટાણે, વીરો  વહેલો  આવ્યો  જાણે.

વીરા  માટે  થાળી   સજાવું, હીરા મોતીની  રાખડી  લાવું,

કુમકુમ તિલક ભાલે લગાવું, રૂડા  અક્ષતથી એને  સજાવું .

મીઠાઇ થકી મુખ મીઠું કરાવું,એના કરકમલે રક્ષા  સોહાવું,

લાંબી આવરદાનો વર અનેરો, આશીર્વાદ કરશે પ્રભુ પૂરો.

લઇ ઓવારણાં જાઉં વારી , સુખ સંપતિની દુઆ ન્યારી,

વીરો  સુખ સમૃદ્ધિને  વરે,  કુબેર ને  લક્ષ્મીજી  ઘર  ભરે.

ભાતભાતના પકવાન પીરસાવું, વીરાને  હેતે જ હરખાવું,

રક્ષાબંધનનો અવસર છે અનેરો, ભાઈ  હરખે  છે  ભલેરો.

બહેનીને  વીરો  હરખે  ભર્યા,  માડીજાયાના અંતર ઠર્યા,

વીરાએ દીધી  ભેટ  અનમોલ, ના રક્ષાબંધનનો કોઈ  મોલ.

========================================

 ‘સ્વપ્ન’  જેસરવાકર