All posts by પરાર્થે સમર્પણ

એક નવતર લગ્ન ગીત..


મિત્રો અને મારી વહાલી બહેનો…..એક નવતર લગ્ન ગીત...
=============================================
વૈશાખના વાયરા વાયા ને આ લોકડાઉનમાંં લગ્ન સિઝન વહી ગઇ.
મારી વહાલી બેનો પતિદેવો બાળકો અને પરિવારની સેવામાં વ્યસ્ત
થઇ ગઇ ને લગ્નગાળામાં લગ્ન ગીતો ગાવાથી વિમુખ રહી તો ચાલો
આજે એક નવતર ગમ્મત ભર્યું લગ્ન ગીત માણીએ. જો આપને ગીતના
શબ્દો સાથે ગાવાની મજા આવે તો જરુરથી પ્રતિભાવ આપશો.
====================================================
(રાગ=ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદને તેડી’તી જાન..મારા નવલા વેવાઇ)
=======================================================
ઘરમાં નો’તા ડોલર ત્યારે શાને ઉંચા કર્યા કોલર…મારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા પાઉન્ડ ત્યારે શાને ઉંચો કર્યો સાઉન્ડ…મારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા રુબલ ત્યારે શાને નખાવ્યા કેબલ..મારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા યેન ત્યારે શાને પહેરી ચેઇનમારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા રિયાલ ત્યારે લગ્ન કેમ આયો ખયાલ..મારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા યુરો ત્યારે શાને બન્યા શુરો...મારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા શિલિંગ ત્યારે લગ્નની કેમ કરી ફિલિંગ…મારા નવલા વેવા.
ઘરમાં નો’તા ફ્રાન્ક ત્યારે જાનને કેમ મારી હાક…મારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા યુયાન ત્યારે લગ્નના તાયફાનું તોફાન…મારા નવલા વેવાઇ
ઘરમાં નો’તા ટાકા ત્યારે શાને મારે રાખ્યા ફાંકા..મારા નવલા વેવાઇ.
ઘરમાં નો’તા રુપિયા ત્યારે શાને ગણાવી ખુબિયાં..મારા નવલા વેવાઇ
===================================================
” જુઓ આ છે અમારા રુપિયા એની જાત જાતની ખુબિયાં. “
===========================================
” મહાત્માજીની તસ્વીર સાથે વિશ્વ શાંતિ કામના .”
” બીજાને સહાય રુપ બની કરીએ સમર્પણ ભાવના.”
” જાતિ ધર્મ ભાષા સાથે દિલમાં એકતાની ખેવના.”
” વિશ્વ ઐક્યતા સરજી કરીશું ત્રિરંગા કેરી નામના” .
=====================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

મોંઢા (ચહેરા)ની ચોપડી (ફેસબુક)ના ગુણગાન…કાવ્ય..


મોંઢા (ચહેરા)ની ચોપડી (ફેસબુક)ના ગુણગાન…કાવ્ય..
=========================================
કેમ છો મિત્રો જેને લીધે આપણે રોજ મલી શકીએ છીએ.
એ મોંઢા(ચહેરા)ની ચોપડી(ફેસબુક)ના ગુણગાન ગાઇએ.
=========================================
હે મોંઢાની ચોપડીનો મહિમા અપરંંપાર મહિમા અપરંપાર,
જેનો કહેતાં ના આવે પાર ભાઇ એનો મહિમા  અપરંપાર.
રોજ સવાર બપોર અને સાંજે એને ખોલતા જ વારંવાર,
જન્મ દિન લગ્નગાંઠ સંદેશા સાથે આભારની ભરમાર...ભાઇ મહિમા.
ભજન કિર્તન સાથે દેવી દેવતા આરતીનો થાય રણકાર,
મહારાજ મુનિ બાપુ સ્વામી સાથે ભજનિકોનો સાક્ષાત્કાર…ભાઇ મહિમા.
પ્રેમીજનોના પ્રેમ સંદેશા સાથે શેર શાયરી થાય ભારોભાર,
લેખકો વિવચકોના વિવેચન ને કવિતાનો થાય શણગાર…ભાઇ મહિમા.
દેશ વિદેશનાં ચિત્રો સાથે દેશી ઉપાયોનો બતાવે ઉપચાર,
દેશપ્રેમ દેશદ્રોહની વાતો રાજનેતાઓના વાયદાનો વેપાર...ભાઇ મહિમા.
ધરતી ઝીલે જેમ પશુ પક્ષી ઝાડ ને સજજન દુર્જનનો ભાર,
‘સ્વપ્ન’ કહે મોંઢાની ચોપડી ઝીલે અઢળક લેખના સંસ્કાર…ભાઇ મહિમા.
======================================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)

ધરતી દિન…કાવ્ય


ધરતી દિન…કાવ્ય

=================================

 મિત્રો  ૨૨ એપ્રિલ એટલે “અર્થ ડે” (ધરતી દિન)
જે ધરતી માતા આપને પાળે પોષે તેવી ધરતી માતાની
વંદના કરીએ.
=================================
ઝીલો ઝીલો આજે સહુ કોઈ “ધરતી દિન” કેરો સાદ
આભાર માનીને  ધરતીનો  જગાવીએ  અનેરો નાદ
ઝીલે ભાર માનવ પશુ પક્ષી તણો ના કલેશ લગાર 
અર્પે ધન ધાન્ય જળ  ખનીજ તેલ ધાતુઓ અપાર
છાતી પર પર્વત ઝીલે ને ખળખળ ઝરણાં લગાતાર
વનરાજી વહેતી નદીઓ સાથે ઝીલે સમંદર કેરો ભાર
પૂજન અર્ચન કરી માનીએ  ધરતીનો ખુબ છે આભાર
આજે “ધરતી દિન” અનેરો સંદેશ પહોચાડીએ દ્વાર દ્વાર
=================================
સ્વપ્ન જેસરવાકર

કોરોના કેરો કકળાટ…..


કોરોના કેરો કકળાટ…..

============================================
કોરોનાએ તો કકળાટ મચાવ્યો રે દુનિયાની ડેલીએ.
વાયરસે તો વિટંબણા વધારી રે દુનિયાની ડેલીએ.
ચીનથી ચાલુ થયું ને ફ્રાંસને ય ફસાવ્યું,
ઇટાલીની ઇચ્છાઓ અમળાઇ રે દુનિયાની ડેલીએ…કોરોનાએ…
જુઓ યુરોપ આખે આખું જ ફસડાયું,
રાષ્ટ્રપતિ વડાપ્રધાનો પછડાયા રે દુનિયાની ડેલીએ…કોરોનાએ…
વોટઅપ પર વૈદો જ ફાટી નીકળ્યા,
ફેસબુક પર ઉપાયોની વણઝાર રે દુનિયાની ડેલીએ…કોરોનાએ…
મંદીના મારથી દુનિયા ગઈ ત્રાસી,
વસ્તુઓની અછતની હાડમારી રે દુનિયાની ડેલીએ…કોરોનાએ…
યમરાણીએ આપી છે ચિમકી અનોખી,
કોરોનાગ્રસ્ત થાઓ તો નો એંન્ટ્રી રે દુનિયાની ડેલીએ…કોરોનાએ…
લેવા ‘ગોદડિયા’ને યમરાજની સવારી,
એય ચકાસે કોરોનાની બિમારી રે દુનિયાની ડેલીએ…કોરોનાએ…
===========================================
સ્વપ્ન જેસરવાકર ( ગોદડિયાજી)

દિપાવલીની શુભ કામના.==== કાવ્ય


દિપાવલીની શુભ કામના.==== કાવ્ય

=======================================================================

ભવ્ય ભારતના હરેક જન જનની તેમજ તમામ નાગરિકોને દિપાવલી શુભ કામના.

Govindbhai%20Patel-USA[2]=======================================================================

ઘરના આંગણે દિવડા પ્રગટાવજો પણ
 એના પ્રકાશનું કિરણ દિલમાં દીપાવજો.
ઘરના આંગણે રંગોળી સજાવજો પણ
એ રંગબેરંગી ડિઝાઇન દિલમાં કોતરજો.
દિપાવલીમાં મેવા મિઠાઇ ચાખજો પણ
એ મિઠાશ સમાજ ઘડતરમાં ફેલાવજો.
દિપાવલીમાં નવાં વસ્ત્રો ખરીદજો પણ 
કોઇ અનાથને વસ્ત્ર આપીને સજાવજો.
દિપાવલીમાં ધનપપૂજન કરજો  પણ
એમાંથી સફાઇ,આરોગ્ય, વિદ્યામાં વાપરજો.
દિપાવલી ઉમંગથી મનાવજો પણ
દેશ રક્ષા કાજે ઝઝુમતા જવાનોને  ના ભુલજો.
દિપાવલીમાં કાશ્મીરથી કન્યાકુમારી અને
દિવથી દિબ્રુગઢ સુધી એકતા મનાવજો.
==========================

સ્વપ્ન જેસરવાકર

હે ટેવો તારી જણાવ બબલીના બાપા ( હાસ્ય કવિતા)


હે ટેવો તારી જણાવ બબલીના બાપા ભુલો તારી જણાવરે…( હાસ્ય કવિતા)
================================================
(રાગ= પાપ તારું પરકાશ જાડેજા…ફિલ્મ= જેસલ તોરલ )

================================================

હે ટેવો તારી જણાવ બબલીના બાપા ભૂલો તારી જણાવ રે
તને છોડીને નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે….
હે જેટલા રુપિયા સાડીના બબલી બા જેટલા સાડીના રુપિયા રે
એટલાં બીડી ને હુકા મેં ફૂંક્યા એમ બબલીના બાપા કે’ છે જી રે.
હે નખરાં તારાં જણાવ બબલીના બાપા આદતો તારી જણાવ રે
તને છોડી નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે..
હેં તું જાતી મૈયરીયા વાટે બબલીની મા મૈયરીયા કેરી વાટે રે
રંગરેલિયાં મનાવવા જાતો એમ બબલીના બાપા કે’ છે જી રે.
હે ચટકા ને ભટકા જણાવ બબલીના બાપા તડાકા જણાવ રે
તને છોડીને નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે.
હે જ્યાં તેં લીધી મંદિરની વાટ બબલીની બા લીધી મંદિર વાટ રે
હે દારૂપીઠે- બિયર બારે સંચર્યા એમ બબલીના બાપા કે’ છે જી રે.
હે શું ગત થૈ તારી બબલીના બાપા વીત્યું તને શું જણાવ રે
તને છોડીને નહીં જાઉં એમ બબલીની બા કે’ છે જી રે.
હે મંદિરે ભજનમાં તું નાચતી બબલીની બા નાચતી કુદતી રે
પીધેલો હું ને પોલિસે મને નચાવ્યો એમ બબલીના બાપા કે’ છે જી રે.
==========================================
સ્વપ્ન જેસરવાકર

માડી તારો જયજયકાર (માતૃ દિન) ..કાવ્ય


માડી તારો જયજયકાર (માતૃ દિન) ..કાવ્ય

==============================================

માતૃ દિન અર્થાત મઘર ડે નિમિતે ચાલો માતાના ગુણગાન ગાઈએ.

 માતૃ દિનની શુભેચ્છા સહ……………………………..

=============================================

હે વર્તે જયજયકાર માવડી તારો જગમાં વર્તે જયજયકાર.

 કહેતા ના આવે પાર માડી તારો જગમાં વર્તે જયજયકાર.

તું છે દયાળી, તું છે કૃપાળી ,તુજમાં વસે દેવી તણો વાસ,

કોઈ  તો તને  લક્ષ્મી કહે તો કોઈ કહે  અન્નપુર્ણાનો  અવતાર …માડી તારો.

દેવતાને  તેં જ  જન્મ દીધો ઓળખાણ તારા થકી થાય,

કોઈ કહે  જશોદાનો જાયો તો કોઈ કહે કોંશલ્યા તણો  કુમાર….માડી તારો.

બાળકને જીવ જેમ સાચવતી ને તેડતી તું ડાબે જ હાથ,

હદય આવ્યું  છે ડાબે જ પડખે બાળક  સુણે  હૈયાના ધબકાર….માડી તારો.

કોઈ તને મા કહે કોઈ કહે માવડી કોઈ મઘર ને કોઈ બા,

માતૃ દિન  ઉજવાય દુનિયામાં મે માસનો બીજો રવિવાર ….માડી તારો .

જગતના વહેવારે  રૂપ તારું છે એક, નામો ધર્યા છે જ અનેક,

ભાર્યા, ભગિની, માવડી છે  તું તો ને તારા થકી ચાલે  સંસાર …..માડી તારો. 

ઓ માવડી તારા પ્રેમ ત્યાગના ગુણગાન અહર્નિશ ગાઈએ,

માડી કૃપાથી “ સ્વપ્ન” ગાયે  તારો મહિમા છે  અપરંપાર ……માડી તારો.


============================================

સ્વપ્ન જેસરવાકર

” પ્રકૃતિ ” એક વરદાન……


 ” પ્રકૃતિ ” એક વરદાન……

============================================

હે માનવ !

તું….

શિયાળે ઠરી  જાય,

ઉનાળે  બળી જાય,

વરસાદે પલળી જાય,

તારા કરતાં તો જાનવર સારાં

ઋતુએ ઋતુએ આનંદે ચરી ખાય….

 

તારે તો એ.સી ( A/C)માં છે ચોંટવું,

વાણી વિલાસમાં છે રાચવું,

ઉછેરવું નથી તારે એકેય ઝાડવું,

તોયે ગાડી રહે તારી છાંયડે એ ઇચ્છવું…

 

ફુલ જોઇઅને ચુંટી લે,

ફળ જોઇને તોડી લે,

વન મહોત્સવ ને વૃક્ષારોપણના નામે ગજવાં ભરી લે…

કોકે વાવ્યાં તેં માણ્યાં,

તારાં બચ્ચાં શું ભાળશે ?

એવો કદી વિચાર કરી લે…

 

જન્મ્થી મરણ સુધી તને સહારો આ વૃક્ષોનો,

જીવન જીવતાં સુધી પ્રત્યેક પળે ઉપકાર આ વનૌષધિનો,

વિકાસના નામે નાશ કર્યો છે વનરાજીનો,

 

ઓઝોન સ્તરમાં પડ્યું ગાબડું,

અને કર્યો કકળાટ ગ્લોબલ વોર્મિંગનો,

તારી વૃતિ ને વિચાર હંમેશાં સ્વાર્થનો….

 

ભાઇ બસ કર…

બહું થયું હવે….

 

આંબો નહિં તો,

લીમડો – પીપળો વાવ,

કંઇ ના કરે તો પછી,

બાવળ ને જગ્યા આપ….

 

નહિ તો…

શિયાળે ઠરી જઇશ,

ઉનાળે બળી જઇશ,

અને

ચોમાસે તરસે મરીશ….

 

એક એક વૃક્ષ  છે મહાન

” પ્રકૃતિ ” એક વરદાન……

=======================

સ્વપ્ન જેસરવાકર

દિવાળી આવી દિવાળી આવી…..કવિતા


દિવાળી આવી દિવાળી આવી…..કવિતા
=========================================================
ગુજરાતી બ્લોગ જગતના આધાર સ્તંભ એવા  આદરણીય વડીલો
 
વહાલાં બહેનો પ્રિય મિત્રો અને વ્હાલા વાંચકો સાથે ભવ્યાતિભવ્ય
 
દેશના ભારતીયજનોને દીપાવલીની………………………………….
                                         શુભ કામના
 
============================================================
દિવાળી આવી દિવાળી આવી જાત જાતના દીવડા  લાવી
 સુંવાળી મઠીયાં મીઠાઈ  ઘૂઘરા સાથે અનેરા  ફટકડા  લાવી
 દિવાળી બહેન તો રુમઝુમ કરતી સાથે ત્રણ બહેનોને લાવી
 વાઘ બારશ ધન તેરસ કાળી ચૌદશ  બહેનોની જોડી  આવી
 મળવા ને કાજે  મોંઘેરા ભઈલાને એ રુમઝુમ  કરતી  આવી
 નૂતન  વરસના આ નવલા ભઈલાને મળવા દોડતી  આવી
 ભક્તિ શક્તિ પૂજા અર્ચના આશા ઈચ્છા મહેચ્છા સાથે લાવી
 સાતેય બહેનડીઓને લઈને મળવા ભાઈના સાગરે  સમાવી 
 ભાઈ કહે આવો જરૂરથી મળવા મને  ખારાશ  કિનારે મુકાવી
 કામ ક્રોધ મોહ લોભ લાલચ વેર શત્રુતાની ખારાશ સુકાવી
 મધ જેવી મીઠાશ ભળશે જીવનમાં મારા આંગણે જ આવી
 નવલા વર્ષે  મિત્રતા ને ભાઈચારો જીવનમાં લેજો અપનાવી.
 
====================================
સ્વપ્ન જેસરવાકર

પોપટો ઘણી મિલકતના માલિક બની ગયા છે…(કાવ્ય )


પોપટો ઘણી મિલકતના માલિક બની ગયા છે...(કાવ્ય )
==================================================
એક વિચાર ઉદભવ્યો  કે બજારમાંથી ખરીદેલો માલ નકામો નીકળે તો પૈસા પાછા મલવા જોઇએ
ચુંટાયેલા સભ્ય પ્રજાલક્ષી કામો કરવાને બદલે ખટપટને ખાયકીમાં રચ્યો પચ્યો રહે તો તેને પાછા
બોલાવવાનો હક્ક મળવો જોઈએ.  અને એના ઉદ્દેશ્યથી આ રચનાએ રૂપ રંગ સજ્યાં.
========================================================
  પોપટોનાં કારનામા થકી હવે  એક આ સવાલ  મળ્યો છે
 પછી વિચારતાં વિચારતાં  અમને આ જવાબ  જડ્યો  છે
 અમને પૈસા પાછા મળવા જોઈએ ! એવો સાજ પડ્યો છે
 ઘણી પુરાણી વસ્તુ ફરી ફરી વેચવાનો  રીવાજ ચઢ્યો છે
  અમારો વેચાયેલો પોપટ પાંચ વર્ષે પાછો વરઘોડે ચઢ્યો છે
 એ  જુદી જુદી જગ્યાએ   ઉભા રહેવાને  રવાડે   ચઢ્યો છે
 આતો ધોતી,ઝભ્ભો , ટોપી ત્યજી આધુનિક  વાદે વળ્યો છે
 પહેરી જીન્સ, સફારી  સુટ  બૂટના વરણાગી વાડે ભળ્યો છે
 નવી  બોટલમાં જુનો દારૂ  કેવો  મંદ  મરક મરકી રહ્યો છે
 આ પોપટીયો કટકી  કૌભાંડ કેરી ચૂર્ણ ફાકી ફાકી ગયો છે
 એ વહેરતો ને વેચાતો વારંવાર લોકોની નજરે ચઢ્યો છે
 વાયદા  પત્રકમાં કેટલીય બાદબાકીની  ખબરે   જડ્યો છે
 અમારું આપેલું પાછું લેવાનો  ના નજરે  રસ્તો પડ્યો  છે
 અમારો મોકલેલ પોપટીયો   હવે કાયદા ઘડતો   થયો  છે
 માંડો ત્રિરાશી મહેનત કરી   કોણ  સિલક ગણતો થયો  છે
આ પોપટ વર્ષે પચાસ  પ્રોપર્ટીનો  માલિક બનતો  ગયો છે
 =============================================================
 સ્વપ્ન જેસરવાકર