Category Archives: સ્વપ્ન – કથા
ગોદડિયો ચોરો….સી.બી.આઈના સાટકા..( ..કટાક્ષ)
ગોદડિયો ચોરો….સી.બી.આઈના સાટકા..( ..કટાક્ષ)
=====================================================
શિયાળાની હાડ ખખડાવતી ઠંડીમાં ચોરાની ચર્ચા ક્યારેક ગરમી લાવી દે છે.
આજે પણ ચોરામાં ચર્ચાનો મુદ્દો પાકિસ્તાન દ્વારા આપણા નવજવાનોની કરાયેલી
નિર્મમ હત્યા અને દેશભરમાં લોકજુવાળમાં જાગેલ આક્રોશનો હતો.
હું નારણ શંખ ગોરધન ગઠો કનું કચોલું અઠો બઠો જામેલા ત્યાં જ કોદાળાજી સાથે
નવીનતમ પ્રાણી પ્રવેશ્યું .
કોદાળોજી કહે આ ” ચંબુ કાકા “છે “ચંદુભાઈ બુધાભાઈ ઈટાલીયા”
કોદાળો કહે આ ચંબુ કાકા ગામડાના રેવાશી ( રહેવાસી )છે પન અમેરિકા ઓસ્ટ્રેલીયા
કે ઈંગ્લેડના પરધોન મંતરીને ( પ્રધાન મંત્રી) હલાહ (સલાહ) દે એવા છે
એ પોતાને ” સી. બી. આઈ .” કહેવડાવે છે . ” ચંદુભાઈ બુધાભાઈ ઈટાલીયા “
ચંબુ કાકાએ બેઠક લેતા જ એમની ભાષામાં દુહો લલકાર્યો .
” બે લુંગી એક ચોરણો એક પેન્ટ ને એક પેરે હાડી
ખરા ટોણે કોમ ના આવે ઉભા રે તાલિયો પાડી “
( ટોણે = ટાણે,,,, કોમ =કામ )
કો ( કહો ) જોય (જોઈ ) ચઈયે ( કંઈએ ) હમજાયું ( સમજાયું )
બધા બોચી ખણજોળવા લાગ્યા . ત્યાંજ એ બોલ્યા આ લ્યા શેરમાં ( શહેરમાં ) રઈ ( રહી)
ભની ( ભણી ) ગની ( ગણી ) મોટા થયા “તોય ડોબાના ડોબા જ રહ્યા “
“અલ્યા પેલો હિદ્મ્બરમ ( ચિદમ્બરમ)ને ઓલ્યો એથોની ( એ.કે .એન્થોની ) બે લુંગી.
ને ઓલ્યો મોહન ( મનમોહન ) ચોરણો, ઓલ્યો હિંદે ( શિંદે ) પેન્ટ ને હોનીયા ( સોનિયા) સાડી.”
ઓલ્યો પાકીસ્તોનીઓ ( પાકિસ્તાની ) “મારા હાળા અવરચંદાં કરે સે ત્યોં ઈવડા વાતો કરે છે “.
અલ્યા કોકની લાલ બાદુર ( લાલ બહાદૂર ) ને એન્દીરાજી ( ઈન્દિરાજી) જેવી સાતી ( છાતી ) ને
પાકો વસવાસ ( વિશ્વાસ ) હોવો જોઈએ તો એમને ખબર પડે.
” જમાઈ ભૂતનો મહેંદી અશરફ ડફરફ સાથે ના રહેશે કીયાંયની
ઉઠશે આંધી હિન્દુસ્તાનમાંથી ને પાકશે બીજી ઇન્દિરા ભવાની “
હમજાયું લ્યા આ એનદીરા બોન ( ઇન્દિરા બહેન ) જેવી ભવાની પરધોન મનતરી કોક આવશે
ત્યારે “જમાઈ ભૂતનો ( ઝરદારી ) મહેદી ( હીના રબ્બાની ) અશરફ ડફરફ ( રાજા પરવેઝ અશરફ )
પાકિસ્તાનના વડા પ્રધાન સાથે કીયાંયની ( જનરલ કિયાની ) ક્યાંયના નહિ રહે.”
આ બે દાડા ( દિવસ ) ગતા ( ગયા ) અજુ ( હજુ ) તો રીપોટ ને વાતોના વડાં કરે છે “તાલી પાડુઓ “
આલ્યા બરધ્યા ( બળદિયા ) જો હરહદ ( સરહદ ) પર ” પેલા હૈદ (સઈદ ) હાફીઝ જો હરહદે આયો
( આવ્યો)
અતો ( હતો) તો એને ગોરી ( ગોળી ) કે એક રોકેટથી ઉડાઈ દીધો હોત તો કાયમની ઝંઝટ મટી જાત !”
કનું કચોલું કહે જયારે પાકિસ્તાનના પ્રમુખ, વડા પ્રધાન કે વિદેશ મંત્રી જયારે વાટાઘાટો માટે જયારે
ભારત આવે છે ત્યારે ” કાશ્મીરના અલગતાવાદી તત્વો જેવા કે હુરીયત કે બીજાની મુલાકાત લે છે.”
“ભારતના દોઢ ડાહ્યા નેતાઓ પાછા એ ભારતના જમાઈ રાજા હોય તેમ અજમેર, આગ્રા, લખનઉ
જેવા શહેરોમાં ફેરવે છે.”
મેં કહ્યું ભારતના નેતાઓએ એમને એવી તમાચ મારવી જોઈએ કે એમની નાની યાદ આવી જાય.
એમને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે “અહીં વાતચીત માટે આવ્યા છો નહિ કે તમારા ચમચાઓની
જાનમાં. તમારે ફક્ત અમારી સાથે જ વાત કરવાની છે . બીજા કોઈને તમારે મળવાની જરૂર જ નથી .
વાતચીતનો દોર કરવો હોય તો રોકાવ નહિ તો ધોયેલા મૂળા જેમ પાછા જાવ “
આજના નેતાઓને “જેમણે ભારતની આન બાન શાનને સૂર્યની જેમ ચમકાવી અને પાકિસ્તાનને ૧૯૬૫ના
યુધ્ધમાં લાહોર સુધી ધૂળધાણી કરી નાખ્યું હતું તેવા ભારત ભડવીર સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીજીની આજે
પુણ્ય તિથી છે તો આજના દિવસે અડગતા પૂર્વક નિર્ણય લઇ પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ.
શાસ્ત્રીજીને સાચી શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.”
આજના નેતાઓને ૧૯૬૭ માં રજુ થયેલી મનોજકુમાર દ્વારા દીર્ગદર્શિત ફિલ્મ ” ઉપકાર ” બતાવવી જોઈએ.
એમાં સ્વ.લાલ ભાદુર શાસ્ત્રીજીએ સંસદમાં આપેલું વક્તવ્ય બતાવવું જોઈએ. એમાં શાસ્ત્રીજી કહે છે કે……….
” શાંતિકા મતલબ બુઝ્દીલી નહિ હો શકતા . હથીયારોકા જવાબ હથીયારોસે દિયા જાયેગા “
” હમ ઈંટકા જવાબ પત્થરસે દેંગે લેકિન ભારતકી સાર્વભોંમિક્તાકો ઝુકને નહિ દેંગે “
આ શબ્દો હતા દેખાવમાં વામન પણ વિરાટ નિર્ણય શક્તિ ધરાવનાર સ્વ. લાલ બહાદૂર શાસ્ત્રીજીના .
અઠો કહે આલ્યા ભાજપ સતા પર હોત તો શું કરત .?
મેં કહ્યું ભાઈ એય સત્તા પર હતા ત્યારે ૨૦૦૧ માં સંસદ પર હુમલો થયો હતો
બસ ” આરપારની લડાઈ આરપારની લડાઈ એમ બસ વાતો કરતા રહ્યા ને સતા રૂપી સ્વયંવરમાં એમની
સતા ૨૦૦૪ માં પાર થઇ ગઈ. મતલબ કે સતા વિહોણા થઇ ગયા.”
” સતા કિસીકી ભી હો લેકિન સતાયી જાતી તો આખિર જનતા હે “
ત્યાંજ ગોરધન ગઠો કહે અલ્યા આ વર્ષે પાકિસ્તાનમાં ચુંટણીઓ આવે છે એટલે ભારત સાથે અડપલાં
કરીને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને ચુંટણી જીતવી છે અને એમાં ભારત સરકાર સહયોગ કરી રહી હોય
એવું ય બને પછી જયારે ૨૦૧૪ માં ભારતમાં ચુંટણી આવે ત્યારે પાકિસ્તાન સહકાર આપે.
ભાઈ આ તો કારણ વગરનું રાજકારણ કહેવાય. ક્યારે કોણ ક્યાં ને કોની બાજુ તે કહેવાય નહિ.!!!!!!!!!
હાટકો–
મેરે ગુલિસ્તાંકે હોઠોસે છીન લે હંસી જો ,
કિસી બમમેં ઇતની તાકત…… કભી ના થી …..ના હે …… ના હોગી
=========================================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…રમત રમાડે રાજનેતાઓ…
ગોદડિયો ચોરો…રમત રમાડે રાજનેતાઓ
====================================================
૨૦૧૩ના નવા વર્ષનું આગમન થઇ ચુક્યું છે . ૨૦૧૨ની આગાહીઓ ગપગોળા
સાબિત થઇ ચુકી છે.
ગોદડિયા ચોરાની પ્રથમ સામાન્ય બેઠક ગાદલા તળાવના કિનારે મળી છે .
વિવિધ પાત્રો રૂમતાં ઝૂમતાં આલબેલ પોકારી આવી રહ્યા છે.
કોદાળોજી આવતાં જ કહે હાશ બચી ગયા ધરતી સહી સલામત રહી ગઈ માયા
કેલેન્ડરની અગમવાણી પ્રમાણે સહેજે ના ડગી.
ત્યાં જ કનું કચોલું હતુતુ હતુતું કરતુ પ્રવેશ્યું.
નારણ શંખ કહે અલ્યા તું એકલો એકલો કેમ હતુતું હતુતું રમે છે ?
કચોલું કહે આ રસ્તામાં આવતો હતો તો છોકરાઓ હતુતું હતુતું રમતા હતા. એટલે
મને એ યાદ રહી ગયું . “અલ્યા ગોદડિયા બીજા ક્યાં દેશમાં હતુતું રમતું હશે” ?
મેં કહ્યું ” ભારત પાકિસ્તાન અને બંગલા દેશ સિવાય ક્યાંય નહિ !”
ગોરધન ગઠો કહે ત્યારે બીજા દેશમાં શું રમતું હશે . ચાલ આજે “રમત પુરાણ” સંભળાવ.
મેં કહ્યું ચાલો આજે ” રમત પુરાણ “ નું ચલક ચલાણું રમીએ.
એક વાર દુનિયાના દેશોએ ભગવાન પાસે જુદી જુદી રમતોની માગણી મૂકી .
ભગવાનની સાથે સહાયકમાં નારદજી હતા.
ભગવાને કહ્યું કે આપના દેશના દરેક પક્ષના આગેવાનોનું મંડળ લઈને આવવું .
દરેક દેશો પોતાના દેશના હરેક પક્ષના આગેવાનો લઈને ભગવાન પાસે પહોચી ગયા.
ભગવાને કહ્યું આપે એકાદ બે કે ત્રણ મુખ્ય રમતોની પસંદગી કરવાની બીજી રમતો ગૌણ
રહેશે.
ભગવાને જુદી જુદી રમતોની યાદી રજુ કરી .
ભગવાન બોલ્યા લ્યો આ યાદીમાંથી જોઈએ તે રમતો લઇ લ્યો.
અમેરિકાએ બાસ્કેટ બોલની રમત પસંદ કરી લીધી .
નારદજી કહે અલ્યા બાસ્કેટ બોલની રમત જ કેમ ?
અમેરિકનો કહે બધું અમારી બાસ્કેટમાં જ રહે માટે . અમને અમારાં બાસ્કેટ ભરવો બહુ શોખ.
” અમેરિકા એમ વિચારે છે કે દુનિયા આખી અમારી બાસ્કેટમાં જ રહે. દુનિયાનું બધું અમારી
બાસ્કેટમાં જ રહે કોઈને જોઈએ તો અમે જ બાસ્કેટમાંથી આપીએ “
ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલીયા બહુ જ ઝેરીલા એટલે એમણે ક્રિકેટની રમત લઇ લીધી.
નારદજી કહે અલ્યા ધોળિયાઓ ક્રિકેટની રમત જ કેમ ?
જુઓ અમે દુનિયા પર રાજ્ય કરીએ છીએ એટલે બેટ સ્ટમ્પ હથિયાર તરીકે અને બોલ ગોળા કે
ગોળી તરીકે ચાલે . ” હથિયારનું હથિયાર અને રમતની રમત “
” ઇંગ્લેન્ડવાળાએ બેટ અને સ્ટમ્પથી ગુલામ બનાવેલ પ્રજાને ઝૂડી અને બોલની જેમ ગોળ
ગોળ ફેરવી રનના ઝુમલા જેમ ગોટોવાળીને દુનિયાના દેશોની સંપતિ ઘર ભેગી કરી “
મેક્સિકન પ્રજાએ બુલ ફાઈટ ( આખલા આગળ લાલ કપડું લઇ દોડવું ) માગી લીધી.
નારદજી કહે અલ્યા બુલ ફાઈટની રમત જ કેમ ?
મેક્સિકનો કહે ” અમે દેખાવે જ આખલા જેવા છીએ અને આખલાની જેમ હર સમયે કૈક ને કૈક
ચાવતા જ હોઈએ છીએ “.
મેક્સિકોમાં દેશમાં આખલાની જેમ નેતાઓ લડે છે અને રાજ કરે છે
ફ્રાંસ જર્મનીએ હોકીની રમત માગી લીધી .
નારદજી કહે અલ્યા હોકીની રમત જ કેમ ?
ફ્રાંસ અને જર્મની ના નેતાઓ કહે ” અમને તો ફક્ત સતા સુંદરીમાં વધુ રસ છે.”
( યાદ કરો ફ્રાન્સના બુલોસ્કની રાષ્ટ્રપતિ જેમણે ૭૫ વર્ષે એક ૨૫ વર્ષની મોડેલ સાથે લગ્ન કર્યા )
” એટલે એમને એમની આદત મુજબ હોકીની રમત માગી જેટલા ગોલ કરવા હોય એટલા કરાય “
ચીના સામ્યવાદની વિચારસરણી દ્વારા રંગાયેલ દેશ છે
એના નેતાઓએ કરાટેની રમત માગી લીધી
નારદજી કહે અલ્યા બુચિયાઓ કરાટેની રમત જ કેમ ?
જુઓ ” ચારદજી ચાઉ ચાઉ પરજાને દાબમાં રાખવા નેતાઓએ કરાટેની રમત શીખવી જરૂરી છે .”
” ચાઈના જેવા દેશે પ્રજાને કચડવા અને મારવા જેવી કરાટેની રમત માગી લીધી “
આરબ દેશો ભેગા થઈને સફેદ ડ્રેસ અને પાઘડી પહેરીને ગયેલા .
આરબ દેશોના નાના મોટા ઘણા દેશો હોઈ તેમના એક શેખ સરદારના નેતૃત્વ હેઠળ બધા ગયેલા.
દેખી મેં “અબ્દુલ સાલેમ કબ્દુલ કાલેમ નાતિ મેં સબકે પ્રતિનિધિમેં આતી હમકુ રમત ભૂત ભાતી “
“મેં રમત માગને આતી દેખો હમકો કોનસી રમત ફાલવાતી નહિતર મેં પાછી ચલી જાતી”
નારદજીએ આરબોને કહ્યું ” તમારી પરદેશમેં ના જંગલ ના ઘાટી વહી રેત રહી આતી જાતી “
” એટલી તમકુ ઊંટ દોડ ફાલવાતી તમકુ ઊંટ બહુ ભાતી ઇસકે લિયે ઊંટ દોડ તમકુ ભાગમે આતી “
“સફેદ કપડામાં રેતીમાં ઢંકાઈ જાવ તો ઊંટના રંગને ઓળખી તમને રેતીમાંથી બહાર કાઢી શકાય .”
એટલે આજકાલ તેલના કુવામાંથી તેલ કાઢે છે અને ઊંટો દોડાવે છે .
ભારત પાકિસ્તાન અને બંગલા દેશમાં ઘણા બધા પક્ષો અને “એવાજ કે નકલમાં અક્કલ નહિ એવા “
નેતાઓ પહોચી ગયેલા . બધાય ચર્ચા કરીને જ ગયેલા એમને ત્રણ રમતો માગી .
” હતુતું ….. ખોખો….લંગડી “
નારદજી કહે ભૈલા ત્રણ રમતો જ શા માટે ?
હતુતું== ત્રણેય દેશોમાં “નેતાઓ ચૂંટાઈ ગયા પછી જનતાને હતુતું… હતુતું… હતુતું …..કરાવે છે.”
બીજું કે ” હતુતુમાં સામી ટીમના માણસને પગ જાલી પછાડવાનો હોય છે તેમ અહીં સતા માટે સામેના
પક્ષને પછાડવાનો .”
લંગડી == “પ્રજાના ટેક્ષના પૈસે ભાડા ભથ્થાં અને ભ્રષ્ટાચાર કરી પ્રજાને લંગડી બનાવી દેવાની “
ખોખો== “ચુંટાયા પછી નેતાઓ અને પક્ષો પાંચ વર્ષ સુધી પ્રજાને વાયદા વચનોની ખોખો રમાડે છે.”
હાટકો=
રમત રમાડે પ્રજાને આ નેતાઓ
પ્રજાને શું સમજે છે એ ઘેટાઓ
વખત આવશે અમારો ઓ ટેટાઓ
ફોડી ધુમાડા કાઢીશું તમારા બેટાઓ
===========================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…પક્ષીય જથ્થાબંધ દુકાનો…
ગોદડિયો ચોરો…પક્ષીય જથ્થાબંધ દુકાનો
==============================================
ગોદડિયો ચોરો જામ્યો છે . જે શહેરના તળાવે આ ચોરો જામ્યો છે તે જ શહેરના
ધારસભ્યને આ વખતે ભાજપે ઘરનો રસ્તો બતાવી બે ઘર કરી દીધા છે .
કનું કચોલું કહે અલ્યા ગોદડિયા આ બધું શું થઇ રહ્યું છે ?
મેં કહ્યું ભાઈ ગુજરાતમાં ચુંટણીના નગારાં ધમાધમ વાગતાં જ બધા પક્ષોએ દુકાનો
ખોલી દીધી છે અને ટકાઉ સાથે નુકશાની અને વાસી માલ વેચવા કાઢ્યો છે.
નારણ શંખ કહે હવે વાતમાં મોણ નાખ્યા વગર સીધે સીધું જે કહેવું હોય તે કહે ને ?
મેં કહ્યું જુઓ આપણા દેશમાં વર્ષોથી સસ્તા અનાજની રેશનીગની દુકાનો ચાલે છે.
એમાં દરેકને કેવો વાસી નુકશાનીવાળો કે ફેકી દેવા જેવો માલ મળે છે એમ ચુંટણીમાં
બધા પક્ષો “કોઈને ત્યાંથી ઉછીનો લીધેલો વાસી જુનો પડી રહેલો કોઈ ખરીદતું નહોય એવો
માલ વેચવા કાઢે છે “
એમ “ગુજરાતની ગૌરવશાળી પ્રજાને આ વખતે આવા માલમાંથી કેવો માલ ખરીદવો
અને કેટલું મુલ્ય ચુકવવું એ જાતે જ નક્કી કરવાનું છે.”
બધા પક્ષોએ દરેક મથકે દુકાનો શરુ કરવી દીધી છે “ત્યાં બિલબુક લઈને કેટલાય ચમચા
કડછા હલાવવા બેસી ગયા છે તેમની સાથે પાછા પૈસા ગણવાવાળા અને તોલાટ પણ
નવા ઝભ્ભા ચડાવીને બેસી ગયા છે “.
(અહીં બિલબુક પૈસા ગણવાવાળા અને તોલાટ એટલે જીલ્લા પ્રમુખ મહામંત્રી અને સંગઠનના
ચમચા એમ ગણવું ને ૧૮૨ દુકાનો ગણવી )
એમની દુકાનોએ પાટિયાં ને ભાવપત્રક પણ લગાડી દીધું છે. એમાં લખ્યું છે.
” કેટલા ખર્ચી શકશો , બીજાને કેટલા આપશો અને એમાં મારું શું ? એમ બિલબુક બનાવનારા
મચી પડ્યા છે “.
” જો એમની દુકાને માલનો સ્ટોક ખલાસ થઇ ગયો હોય તો પાછા ઓળખીતાની દુકાને મોકલી
આપે છે અને કહે તમે ત્યાં જઈ મારું નામ આપશો. હું ફોન કરીને જણાવી તેમને જણાવી દઈશ
એટલે તમારા નામનું બીલ (ઉમેવાર ) બનાવી દઈને તમને પહોંચ ( મેન્ડેટ ) ફાડી આપશે. “
માલ વેચ્યા પછી એમની કેટલીક શરતો નીચે મુજબની હોય છે તેનું જેતે બીલ બનાવનારની
મંડળીએ અચૂક પણે પાલન કરવાનું રહેશે. ( બીલ બનાવનારની મંડલી એટલે કાર્યકરો )
(૧) માલ જેવો છે તેવો સ્વીકારી લેવો .
(૨) માલ પરત લેવામાં આવશે નહિ .અને બદલી આપવામાં આવશે નહિ
(૩) અમે જોઈ તપાસી માલ ખરીદ્યો છે એટલે તમારે ચિંતા કે શંકા કરવી નહિ .
(૪) માલ અમારી ખાતરીનો છે . ( અમને વફાદાર છે )
(૫) ઘણી જગ્યાએ બીજી દુકાનેથી આવેલો માલ તમારે ત્યાં મોકલ્યો છે પણ હવેથી એ આપણો
દુધે ધોઈને ચોખ્ખો થયેલો છે એમ સમજવાનું છે .
(૬) આપણા પ્રોડેકટ ( માલ )ને આપણે કોઈ પણ હિસાબે વેચવાનો છે.
(૭) આપણા પ્રોડેક્ટનો જોરદાર વર ગધેડો ( ભૂલ્યો વરઘોડો… જોકે ઘોડા મોંઘા પડે છે એટલે ગધેડો
ચાલશે ) કાઢવાનો છે .
(૮) આપણા માલનું મુલ્ય બીજાના માલ કરતા વધારે ઉપજાવવાનું છે ( કોઈ પણ હિસાબે )
(૯) આપ સહુએ આપણા માલને જનતા બજારમાં ફેરવી ફેરવીને હરાજી કરવાની છે.
(૧૦) બસ આપ સહુ તન મન અને ધનથી ( બધું જ તમારું એમનું કશું નહિ ) આમાં જોડાવવાનું છે.
હવે આ માલ અંગે પ્રજાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો.
(૧) આ માલ તો વાસી થઇ ગયો છે
(૨) આ માલ આયાતી છે . બીજા પ્રદેશમાંથી આવ્યો છે.
(૩) આ માલ ખરીદ્યા પછી અદ્રશ્ય થઇ જાય છે.
(૪) આ માલ જોઈએ તેવા ગુણ અને ફળ આપતો નથી .
(૫) આ માલ અત્યારે સરળ લાગે છે પણ ખરીદ્યા પછી કાંટા જેવો લાગે છે. ગળે ભરાય છે.
(૬) આ માલ વર્ષો વર્ષ ભારે થતો જાય છે ( ખાયકીમાં જાડો થતો જાય છે ).
(૭) આ માલ વિસ્તાર છોડી ( વિસ્તારનું ઘર ) છોડી બીજે વસી જાય છે.
(૮) આ માલ અત્યારે હાથ જોડે છે પણ પછી કામ અંગે પૂછતાં મુઠ્ઠીઓ વાળી આંખો કાઢે છે.
(૯) આ માલ સરળતાથી મળતો નથી મીઠો લાગતો માલ કડવો થઇ જાય છે.
(૧૦) આ માલ ફોન ઉઠાવતો નથી એમને ઘેરથી આરામમાં છે , બહાર ગયા છે, કામમાં છે
મીટીંગમાં છે વારંવાર ફોન ના કરવો એવા ઉડાઉ જવાબો મળે છે .
જનતાએ આવા બધા માલ ખરીદતાં ( પસંદ કરતાં ) પહેલા ઘણા પાસા વિચારી લેવાની
ખાસ જરૂર છે.
સાટકો –
બેટ કમળ પંજો સાયકલ ને હાથી
કોણ બનશે ભોળી જનતાનું સાથી
વિચારીને દબાવજો મશીનનું બટન
તાધિકારનું પ્રેમથી કરજો જતન
============================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…મળશે ઉમેદવારો..હાસ્ય કટાક્ષ કથા
ગોદડિયો ચોરો…મળશે ઉમેદવારો..હાસ્ય કટાક્ષ કથા
==================================================
ગુજરાતના ચુંટણી યુદ્ધક્ષેત્ર વિષે બંને સેનાઓ શસ્ત્ર સરંજામ સજાવી આમને
સામને આવી ગઈ છે . કોઈ તલવાર તો કોઈ ભાલા કોઈ તીર કામઠા તો કોઈ
બંધુક ને કોઈ મશીનગન સજાવી રહ્યા છે.
બન્ને સેનાઓ જીતવા આરપારની લડાઈ લડવા શક્ય એટલા બધા જ દાવ પેચ
અજમાવી રહી છે એટલા માટે બંને પક્ષો જીત પાકી કરવા અને બીજાને પછાડવા
અવનવી રમતો રમી રહ્યા છે. બન્ને પક્ષો અપક્ષ ઉમેદવારોની શોધ ચલાવે છે.
અમે છેલ્લા પાંચ વર્ષથી “કલંક ઉમેદવાર કંપની “ચલાવીએ છીએ.
“કનકપ્રસાદ લંકાપ્રસાદ કરવતીયા ” એટલે જ “કલંક ઉમેદવાર કંપની “
“અમારા બાપા લંકાપ્રસાદે એમના નામ પ્રમાણે હનુમાનજીની જેમ ચુંટણીમાં કૈક
મહારથીઓની લંકા બાળીને ખાખ કરાવી નાખેલી એટલે એમના આ મહાન કાર્યની
યાદગીરી રૂપે અમે પણ તેમના પગલે ચાલી બીજાને હરાવવા તાલીમ પામેલા
ઉમેદવારો પુરા પાડી તેમના મહાન કાર્યને આગળ ધપાવીએ છીએ. “
એમેય અમારી અટક પણ જેમ કરવત લાકડાને વાઢી બે ટુકડા કરે છે તેમ કરવતના
ગુણ પ્રમાણે અમે પણ સબળ ઉમેદવારના મત વાઢવાનું કામ કરીએ છીએ.
દૈનિક પેપરમાં અમોએ જથ્થાબંધ ઉમેવારો મળશે એવી જાહેરાત આપી હતી.
બંને પક્ષો અમારો સંપર્ક સાધી રહ્યા છે .
અમારી પાસે કેળવાયેલા સશક્ત અને મતમાં મોટા પ્રમાણમાં ઉથલપાથલ કરી
શકે એવા નામાંકિત ઉમેદવારો છે.
“એય ગોદડિયો તો ઉમેદવારો વેચવાને ચાલ્યો
દરેક મત વિસ્તરે સાદ જ પાડે કોઈને જોઈએ ઉમેદવાર
નવ લખા દશ લખા હજાર લખા ગુણોનો ધરાવે
ઘરમાં કદીય બોલ્યા નહોય એવા ભાષણો ધધડાવે
કોંગ્રેસને કચડવાના તો એંશી લાખ જ થાયે
ભાજપને ભગાડવાના પણ એંશી લાખ જ થાયે
જોઈએ ૧૦નુ પેકેટ તો ખાસ વળતર મળી જાયે
જથ્થાબંધ જોઈએ તો ભાવમાં ફરક પડી જાયે.”
આ બન્ને પક્ષે અમને પૂછાવ્યું છે કે ભાઈ મોંઘવારી અમને મતદાનમાં ના નડે
અને અમારી નૈયા પર પડે તવા ઉમેદવારોની યાદી અમને બતાવશો.
મેં કહ્યું હા ભાઈ…હા બધી જ સમસ્યાના ઉકેલ અમારી પાસે છે. જુઓ થોડાં નામ .
કનું કચોલું … બાબુ બાટલી …શનો શીશી… પોપટ પરધાન…ડાયો ડુંગળી…રમણ રીંગણી
પરભુ પેટ્રોલ …દીનું ડીઝલ…મનુ મૂળો બચું બટાકો…નારણ શંખ…ગોરધન ગઠ્ઠો
રમણ રોટલી…ભગુ ભાજી…ખીમજી ખાંડ… ચંદુ ચોટલી…ઘનુ ગોટલી…ભાવિન ભાત
પશો પરવળ…કરશન કોયલો…નીતિન નવટાંક…નરોતમ નાળીયેરી…વિજય વાસી દાળ
ચીમન ચડ્ડી…બબલ બેટરી…બીપીન બાજરી…દીપો દાંતી…પુનમ પ્લાઉ….ત્રિકમ ટ્રેક્ટર
ભુપો ભોંય ચકરડી…ધનસુખ ધમાલ…નીતિન ગરબડ ગોટા…ગૌતમ ગૌચર…લલ્લુ લાંબો
અનીલ ઓડિયો…મુકેશ મુખવાસ…અંબુ આડો અને ખાસમ ખાસ એટલે ગોવિંદ ગોદડિયો…..
આ બધા નમૂનાઓ બેકાર અને ઘેર ભારે પડે એવા છે એટલે એમની પત્નીઓએ આ ચુંટણીના
ચમકારે ચઢી બે પૈસા કમાવાય એટલે અમને ઉમેદવાર તરીકે ભાડે આપેલા છે.
એક જાણે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ ચુંટણી છે એટલે ભાષણ કરવું પડે એમને ફાવશે.
મેં કહ્યું ” આમ તો એમને ઘેર બોલવાનું મળતું નથી અને અહિયાં તો ભૂંગળું જોઇને એવા બરાડશે
કે લગ્ન જીવનમાં બંધને બંધાયા પછી પંદર દિવસ સતત એટલું બધું બોલશે કે પાંચ પંદર વર્ષનું
સાટું વળી દેશે . એમને પણ જીવનમાં બોલવાનો ભડાશ કાઢવાનો મોકો મળશે બસ તમારે
ભાષણ પહેલા એમને સમજાવી દેવાનું કે સામે તમારી પત્નીનો સગો ઉભો છે એટલે બોઇંગ જેટની
જેમ ૮૪૦ માઈલની ઝડપે ભાષણ ઠોકશે “
ત્યાં એક ભાઈ કહે એ તો સમજ્યા પણ સ્ત્રી ઉમેદવારો પણ થોડા ઘણા જોઇશે ને ?
દેવિકા દાળ…મેના માટલી…મંજુ મેથી…દાની દુધી…બચી બુચી…કંકુ કારેલી…ધની ધૂણી
કાન્તા કટલેસ… કરીના કોકમ…આનંદી ઓંણ સાલ… ચંદ્રિકા ચુડેલ… ભાવના ભૂતડી
અમારી શરતો અને નિયમો નીચે મુજબ છે.
ઉમેદવાર ટકોરા મારી જોઈ તપાસીને લેવો. પાછળથી કચકચ નહિ ચાલે.
ઉમેદવારીની કિમત પ્રમાણે નાણાં રોકડમાં પ્રથમ ચૂકવવાના રહેશે.
જથ્થાબંધ ઉમેદવારો માટે ખાસ વળતર મળશે.
ઉમેદવારનાં કપડાં બુટ ચંપલ ટોપી કે પાઘડી વિગેરેનો ખર્ચ જે તે પક્ષના માથે રહેશે.
ઉમેદવારને વાહન પેટ્રોલ ખાણી પીણીનો ખર્ચ ભાડે લેનાર પક્ષે ઉપાડવાનો રહેશે.
ચુંટણી પછી ઉમેદવારને સાજો સમો તેજ તરાર સ્વરૂપે પરત કરવાનો રહેશે.
ઉમેદવારે આપેલા વચનો કે વાયદા માટે ઉમેદવાર કે અમો બંધાયેલા નથી .
ઉમેદવાર લીધાની અને પરત આપ્યાની પાકી રસીદ જે તે પક્ષે અમને અને ઉમેદવારના
ઘરના માણસોને આપવાની રહેશે.
ઉમેદવારને ચુંટણી દરમ્યાન ગોબો પડે કે કઈક થાય તે તમામનું સારવાર ખર્ચ ભાડે લેનાર
પક્ષે ચૂકવવાનું રહેશે.
ચુંટણી દરમ્યાન ઉમેદવારના કપડાં ફાટી જાય તો જે તે પક્ષે નવાં સિવડાવી આપવાં પડશે.
જો ઉમેદવાર સામેવાળા ઉમેદવાર કે પક્ષ સાથે અંગત સમજુતી કરી નાણાં લઇ બેસી જાય કે
ફોર્મ પરત ખેચી લે તો અમો જવાદાર નથી………… કેમ કે……………………………….
જો બધા પક્ષો જીત્યા પછી બેફામ ભ્રષ્ટાચાર કરી નાણાં ભેગા કરતા હોય તો અમારા આપેલા
ઉમેદવાર પણ બે પાંદડે થઇ થોડા ઘણા પૈસા ભેગા કરી લે તે કાંઈ અજુગતું નથી.
સાટકો—
” ભ્રષ્ટાચાર એ તો આપણો જન્મ સિદ્ધ હક્ક છે અને કર્તવ્ય છે “
“કારણ કે જન્મની મીઠાઈ વહેચાય અને જન્મની નોધણીની ફોર્મ ફી ભરવી પડે
એટલે માનવ જન્મતાંની સાથે જ ભ્રષ્ટચાર શરુ થઇ જાય છે.એટલે જ “જન્મ સિદ્ધ હક્ક “
===================================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો..નિવેદનીયો અન્નકૂટ..હાસ્ય કથા
ગોદડિયો ચોરો…નિવેદનીયો અન્નકૂટ…હાસ્ય કથા
=======================================================
દિવાળીના દીપોની હારમાળા સાથે ફટાકડાની ધૂમ આખા શહેરમાં મચી હતી.
લોકોના હૈયામાં આનંદ ઉત્સાહનું મોજું લહેરાતું હતું.
મોંઘવારીની મોંકાણ કેટલાય પરિજનોને અકળાવી રહી છે.
બળુકા બાળ સાહેબ ઠાકરેને તબિયતનો તવેથો ઉપર નીચે કરાવી રહ્યો છે.
“જબ તક જાન હે ” ને ” સન ઓફ સરદાર ” નાણાંકીય મોરચે લડી રહી છે.
ગોદડિયો ચોરો દિવાળીના ફટાકડાની મઝા માણતો જામ્યો છે.
હું નારણ શંખ ગોરધન ગઠ્ઠો અઠો બઠો કનું કચોલું ને ભદો ભૂત જામ્યા છીએ.
ત્યાં જ કૂદતો હાંફતો ને દોડતો કોદાળો પ્રવેશ કરે છે ને કહે છે …………..
” અલ્યા ગોદડિયા આ બધાય મંદિરોમાં અન્નકૂટ ભરાય છે ને લોક દર્શને ઉમટે છે
તો આપણા ચોરે અન્નકૂટ કેમ નહિ ? જો આપણે નવતર જાતનો અન્નકૂટ ભરવો છે “
અમે સહુ વિચારમાં પડી ગયા કે કોદાળાજીની વાત અગત્યની છે !
ત્યાં જ મેં કહ્યું લ્યા આપણે ” મા ચુંટણી દેવીને નિવેદનીયો અન્નકૂટ ધરાવીએ “
કનું કચોલું કહે હવે ફોડ પાડને આ કેવો નવો ને બધાથી અલગ અન્નકૂટ છે.
ચાલો મા ચુંટણી દેવીની અર્ચના પૂજા કરીને મીઠાઈઓ ને પકવાન ધરાવીએ.
બસ પછી તો અમે જુદા જુદા પકવાન અને ફરસાણ માડીને ચરણે ધર્યા.
સુંદર મજાની થાળીઓ સજાવી ભાવ ને હેતના મિશ્રણથી અમે અન્નકૂટ ભર્યો.
” દિગ્ગી ફરસાણ ” ” મોદી મઠ્ઠો ” ” અર્જુન અડદીયું ” “ગરબડકરી ગોટા “
” શંકર સુખડી ” ” કેજરી કચોરી ” ” મનમોહન મિઠાઈ”” બેની બરફી ”
” ફળદુ ફાફડા ” ” વિઠ્ઠલ વેઢમી ” ” શ્રીપ્રકાશ શીખંડ ” ” પવાર પૂરી ”
” માયા મગસ ” ” સોનિયા સુતરફેણી ” ” રાહુલ રસગુલ્લા ” ” કટિયાર કઢી “
“નરહરિ નાન ” ” મણીશંકર મગફળી ” ” હરામ જુઠ મલાઈ “ “ ભાગવત મોહનથાળ “
અને છેલ્લે સર્વે ભોજન પાચન માટે સ્પેશ્યલ ” વૈદ્ય ચૂર્ણ ફાકી “
જનતા ચુંટણી માની આરતી કરી પ્રસાદ આરોગી વિનંતી કરતાં કહેવા લાગી
” હે ગોદડિયા ગુરુ મહારાજ કૃપા કરીને આ અન્નકૂટ વાનગીઓનું વિસ્તૃત વર્ણન કરો “
“ભક્ત જનો એવમ વ્હાલા ચુંટણી રસિયા નિવેદનોના શોખીન ગુણીજનો “.
આજે તમને હું જુદા જુદા નિવેદનીયા વ્યંજનોનું મહત્વ સમજાવું છું
” દિગ્ગી ફરસાણ “ આ એક ચટપટી વાનગી છે જુદી જાતના ફરસાણ જુદો જુદો સ્વાદ
આપે છે એમ દરેક બાબતમાં આ ફરસાણ જુદા જુદા સ્વાદનો અનુભવ કરાવે છે અને
ભોજન ના હોય તો ફરસાણ પણ ભૂખ મટાડે એવું આ ચટપટીયુ ફરસાણ છે. આ ફરસાણ
ક્યારેક ગમ્મત કે ક્યારેક મોંકાણનો અનેરો સવાદ ધરાવતું અનેરું ફરસાણ છે
” મોદી મઠો ” આ મઠો ખાટો મીઠો ને તીખો મરચા જેવો છે. મઠા સાથે કોઈક જ ફરસાણ
ભળે પણ એમાં પલળી જાય તો ફસાણનું અસ્તિત્વ જ ના રહે. પચાસ કરોડની ગર્લ ફ્રેન્ડ
જોયા પછી એ મઠાને ગલગલીયા ઉપડ્યા છે એટલે એ હજાર કરોડની ખોળે છે.
જો આ મઠો કોઈની નીચેથી કે ઉપરથી પસાર થાય તો પાપડ પાપડી રોટલી કે ભાખરી
અથવા નાન ને પલાળી નકામી કરી દે છે .એવાં કેટલાય વ્યંજનો નકામાં થઇ ગયાં છે.
મઠો હઠીલો ને અહમવાળો ને પહેરવેશોનો શોખીન છે. સાદાઈ બિલકુલ ભુલાવી દીધી છે.
” અર્જુન અડદીયું “ આ મિઠાઈ કચ્છની ધરતી જેવી કઠણ છે . એ ખાય તેને સ્વાદ તો આવે
પણ ભલભલાને પચે તો પચે. આ અડદિયાએ ઘણા ગ્રુપોને એકત્ર કરવમાં મહત્વની ભૂમિકા
ભજવી છે અડદિયા અને મઠાને આંખો લડે છે .ઘણા પ્રયત્નો છતાં મઠાને અદડીયુ ગાંઠતું નથી
અડદિયાએ પોતાના રથ પર ધજા ફરકતી જોઈ એમાં હનુમાનજી બેઠેલા જોયા એટલે એમને
બંદર યાદ આવી ગયો અને બંદરને બંદર કહી દીધો.
” ગડબડકરી ગોટા “ આ નાગપુરથી સ્પેશ્યલ આવેલા લોટમાંથી બનેલા છે. આ ગોટા ખાધા
પછી મરચું ને મસાલાને લીધે જીભ સિસકારા મારે એમાં જીભ લપસી જાય પછી એ જીભને
શું બોલવું ભાન ના રહે ને દાઉદ કે સ્વામી વિવેકાનંદજીમાં ફેર ના લાગે એવા ગડબડકરી છે.
” શંકર સુખડી “ આ દુધનો પાસ ભેળવ્યા વગરની બનેલી છે જો કે એમાં મીઠાઈનો કોઈ જ
વાંક નથી પણ આર.એસ.એસ , જનસંઘ,ભાજપ , રાજપ એમ જુદી જુદી ઘંટીનો લોટ હોય
પછી પંજા એટલે કે કોંગ્રેસની ઘંટીમા બરાબર પીસયો ના હોઈ કડક લાકડા જેવી બની ગઈ છે.
જે ચવાય નહિ અને જોર કરે તો દાંત તૂટી જાય . કડકાઈ જેવા નિવેદનોનું પડ જામી ગયું છે .
” કેજરી કચોરી “ આમાં લીલા લીલવા, લસણ, ધાણા, ને મરચું ભરેલું હોય એટલે જયારે ખાઈએ
ત્યારે તીખી તમતમતી ને સ્વાદિષ્ટ લાગ્યા જ કરે. કરચોરી વિભાગમાં હતા એટલે કચોરીનું સારું
એવું જ્ઞાન ધરાવે છે.
” મોહન મિઠાઈ “ આ મિઠાઈ ઓછી સુગરની છે . એટલે સામાન્ય માનવી કે ડાયાબીટીશવાલા
કોઈ પણ ખાઈ શકે છે. તેનું બોક્સ આકર્ષક અને ભૂરા કલરની દોરીથી કાયમ બાંધેલું હોય છે.
મોહન મીઠાઈનું બોક્સ કાંઈ સામાન્ય બોક્સ નથી એને રિમોટથી ખોલ બંધ કરવું પડે છે.
” બેની બરફી “ આ બરફી સીધે સીધી ગળી જવાય એવી સીધી નથી. જુનીને જાણીતી છે અને
સમાજવાદી રંગે પણ રંગાયેલી છે એટલે સામાન્ય રકમ તો એમની ગણતરીમાં આવતી જ નથી .
આ બરફી લાખોમા નહિ પણ કરોડો અબજોમાં વેચાય તેવી અનમોલ છે.
” ફળદુ ફાફડા “ આ ફાફડા બધાયને ગમે છે પણ ફાફડા કોઈક વાર સ્વાદના સટાકામા એવા વાંકા
ચુંકા વળી જાય છે કે ફાફડા બનાવવા વપરાતો લોટ જે પકવે છે તેમને એટલેકે ખેડૂતોને આપઘાત
કરવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યારે તેમની પડખે રહી આશ્વાસન આપી સરકારની કે પક્ષની
જવાબદારી લેવાને બદલે એમનાં એવાં કેવાં નસીબ એવું નિવેદન ઠબકારે એવા આ ફાફડા છે.
પણ ચુંટણી પછી આ ફાફડા ક્યાંય ખોવાઈ જશે કે ખબર નહિ પડે. ૨૦૦૨ પછી પ્રદેશ પ્રમુખ
રાજેન્દ્રસિંહ રાણા ને ૨૦૦૭ પછી પરસોતમ રૂપાલા ખોવાઈ ગયા તેમ ખોવાઈ જશે.
” વિઠ્ઠલ વેઢમી “ આ વેઢમી આમ તો બહુ મીઠ્ઠી છે. ખેડૂતો ને ગામડાના લોકો માટે સારું કાર્ય કરે છે.
કન્યા કેળવણી ને કન્યાદાનના કાર્યક્રમો કરે છે .પેલા પ્રખ્યાત ભજનની જેમ હમણાં ઝળકી ગયા.
” વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ભાઈ વિઠ્ઠલા , ટોલ ટેક્ષ બુથે દીઠેલા “
સિક્યુરીટી ગાર્ડે રોકેલા ત્યારે બંદુક સાથે દેખેલા…ભાઈ વિઠ્ઠલા “
” શ્રીપ્રકાશ શીખંડ “ ઉતર પદેશમાંથી આવેલો આ શીખંડ ખાટો મીઠ્ઠો છે. આ જયસ્વાલ છે કે
“જ્યાં એક સવાલ” . એને નવી જૂની કરવાના બહુ શોખ છે . નારી અપમાનનો આ કીડો છે.
” પવાર પૂરી “ આ પૂરી ગોળ છે બધાયમાં ભળે એવી .દાળ ભાત, કઢી ભાત અને વઘારેલી ખીચડી
એમ બધાયમાં ચાલે એમ રાજ્ય દેશ, ક્રિકેટ વાયદા વેપાર ભ્રષ્ટાચાર એમ બધે ચાલે એવી છે.
” માયા મગસ “ આ મગસ ક્યારેક મીઠું લાગે ક્યારેક કડવું લાગે . સત્તા લેવા મીઠી વાતો કરે પણ
સત્તા જતી રહે તો મતદારોને પણ ગાળો ભાંડે એવું લપસણું મગસ છે.
” સોનિયા સુતરફેણી “ આ સુતરફેણી ઝીણા ઝીણા તાંતણા વળી છે લાંબા રેસા મિઠાઈ મગસ પૂરી
સુખડી અડદીયુ બધાંય જોડે મેળ રાખે છે ને રેસાથી બધાયને જોડાયેલા રાખે છે.
( મનમોહન, શંકરસિંહ , અર્જુન મોઢવડીયા, માયાવતી, મુલાયમ શરદ પવાર )
” રાહુલ રસગુલ્લાં” આ રસ અને ગુલ્લાં ભેગાં થયાં છે પણ બિહાર ઉતર પ્રદેશમાં રસ ઉડી ગયો ને
ગુલ્લાં એકલાં રહી ગયાં છે. એટલે સૂકાં ગુલ્લાંને કોઈ દીકરી દેતું જ નથી.!
” કટિયાર કઢી “ આ કઢી જાડી પાતળી થયા કરે છે . આ કઢીનો ભાવ કોઈ પૂછતું નથી. એટલે
લવારામાં જીભ ફસકી જાય છે તો જે રામનો નારો લગાવતા હતા એ રામને ને સીતાને ભાંડે છે.
જેમ કપિની પુંછ કટી એમ એમના દિમાગની નસ કટી છે એટલે મિત્રો કહે છે “યાર આ કટી “
એટલે જ બોલવામાં વિનય નથી રહ્યો.
” નરહરિ નાન “ આ નાન છેલ્લા કેટલાય સમયથી સુકાઈ ગઈ છે . વિધાનસભા કે ગુજરાત
ક્રિકેટ એસોશિયનમાય આ નાન કોઈનેય મીઠી લાગી નથી.
” મણીશંકર મગફળી “ આ મગફળી પાક પણ છે. મગફળી પકવતા પ્રદેશમાં પણ એક નટરાજની
જુદી જુદી મુદ્રાઓના નૃત્યને લલકાર્યું હતું.
” હરામ જુઠ મલાઈ “ આ મલાઈ જુઠ્ઠું અને જોરથી વારંવાર બોલવાના મુદ્દાને વળગી રહી છે . નામ
ભગવાનનું પણ કાર્ય પૈસા માટે ગમે તેવા કેસ લડવાનું. આના (રામ ) નામ આગળ ‘ હ ” લગાવી
હરામ બોલાવવું જોઈએ. આ મલાઈ સમયે સમયે વફાદારીના ગુણ બદલે છે. રામ સારા પતિ ના હતા.
તો ભાઈ તું ક્યાં સારો છું . ઇન્દિરાજીના ખૂનીના કેસ લડ્યો છું. કોઈકના ચમચા બનવાનો અનેરો
ગુણ ધરાવે છે. કે પછી કોઈ વડાપ્રધાન થાય તો તને કોઈક ખાતાનો મંત્રી બનાવે એટલા માટે તું
ચમચાગીરી કરે છે કે શું ?
” ભાગવત મોહનથાળ” આ નાગપુરમાં બનતો એક સંસ્થાનો મોટામાં મોટો થાળ છે. મરક મરક
હસતો થાળ છે. ભાગવત કથામાં મોહનનાં ગુણગાન ગવાય જયારે અહિ મોહન પોતે ભાગવત કરે છે.
સાદાઈ સેવા સંસ્કારના ગુણો છોડી મદ, મોહ અને મેવામાં રાચતા એમના સેવકોને ટપારવા કરતાં
એની વાહ વાહ થાય તેવી કથાનું મનન કરે છે.
” વૈદ્ય ચૂર્ણ ફાકી “ અન્નકૂટનું મીઠાઈને ફરસાણથી ભરપુર ભોજન આરોગીએ તો આફરો ચઢે કે પછી
ગેસ થાય તેનાથી બચવા આ ચૂર્ણ કે ફાકી સરસ અને સચોટ અસર કરે છે.
મદ મોહ માયા ને મેવા સાથે ઉચ્ચ પદો પર પહોંચવા જુદા જુદા પેંતરા અજમાવતી વ્યક્તિઓને સચોટ
ભાન કરવતી વૈદ્ય સાહેબની ફાકીએ ભાજપને ગુજરાતથી ગંગટોક અને નાગપુરથી નવી દિલ્હી સુધી
એવો ગેસનો છુટકારો કરાવી દીધો કે જ્યાં ને ત્યાં ધડાકા ભડાકા થવા લાગેલા. કેટલાક તો ડાહી માના
દીકરા જેવી વાતોનાં વડાં કરવા બેસી ગયેલા. વૈદ્ય ચૂર્ણ ફાકીએ ભાજપમાં ભૂકંપ સરજી દીધેલો.
હાટકો-
જે કહ્યું માને વિધાતાનું એ હું નહિ
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહિ
મેં મુકદરથી ઘણુય મેળવ્યું છે અહીં
જાય ખાલી હાથ પેલો સિકંદર હું નહિ
=========================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…બાવન લખણો બાંઠીયો..
ગોદડિયો ચોરો…બાવન લખણો બાંઠીયો.. ======================================================
ગોદડિયો ચોરો ચર્ચાની એરણે ચઢ્યો છે. આજકાલ ગુજરાતની ચુંટણીમાં ભાગ
ભજવતા પરિબળોની ચર્ચા જામી છે. ક્યાંક અર્જુન કથા તો ક્યાંક રામ કથા તો
ક્યાંક સુષ્મા કથા તો ક્યાંક ગડબરી કથાના અધ્યાયો વંચાઈ રહ્યા છે.
પક્ષો ઉમેદવારી માટે નામો પસંદ કરવા બાયોડેટાને ટકોરા મારી ચકાસે છે.
ત્યાં જ કનું કચોલું ને કોદાળો પ્રવેશે છે માથું ધુણાવતા કહે આપણામાંથી કોઈ
ઉમેદવારી કરે તો આપણો અવાજ બધેય સંભળાય.
નારણ શંખ કહે અલ્યા આપણને કોણ ટીકીટ આપશે ?
અઠો ને બઠો કહે અલ્યા ગોદડિયા તું ઉમેદવારી કર . મઝા આવશે.
મેં કહ્યું અલ્યા આપણને ટીકીટ કોણ આપશે ને મત કોણ આપશે ?
ગોરધન ગઠો કહે ” જો ઓબામા ફરી ચુંટાઈ આવતો હોય તો ગોદડિયો કેમ નહિ “
મેં કહ્યું આપણે સર્વ ગુણ સંપન્ન છીએ. આપણને બધા જ ખેલ આવડે છે.
તો ચાલો આપણે બાયોડેટા તૈયાર કરી બધા પક્ષોને મોકલી આપીએ.
ચાલો બધા સાથે મળી ગોદડિયાનો લાખેણો બાયોડેટા જોઈએ.
નામ= ગોવિંદ ગોદડિયો ( બાવન લખણો બાંઠીયો )
ઉમર = ના પૂછશો ભાઈ જરા જંપો.
અભ્યાસ = ભાગોળ સુધીનું ભણતર
મતદાર યાદી ક્રમાંક= ૪૨૦
લોક મુખે ઉપનામ= રાજકીય સેમ્પલ ( રાજકારણનો નમુનો )
વિશેષ લાયકાત = યાદી ઘણી લાંબી છે.
ગુજરાતના પચાસ વર્ષના ઇતિહાસમાં ૨૫ વાર પક્ષ પલટો કર્યો છે.
વિધવા બહેને ભાડે આપેલું ઘર ખાલી નહિ કરી પચાવી પડવાનું .
૧૯૬૭ ની ચુંટણી વખતે લાવેલા હારતોરા માટે માળી ધક્કા ખાય છે .
૧૯૭૧ ની ચુંટણી માટે મંડપવાળા ભાડા માટે ટાંટિયા તોડી થાકી ગયા છે.
૧૯૭૨ ની ચુંટણી ટાણે લાવેલા ગોદડાં ને તકિયા વેચી ખાધાં છે .
૧૯૭૫ ની ચુંટણીમાં માઈક સીસ્ટમવાળાનાં ભૂંગળા ઘર વગે કર્યા છે.
૧૯૭૭ ની ચુંટણીમાં ઉઘરાવેલ જનતા ફાળાથી એક વર્ષનું અનાજ ભર્યું છે .
૧૯૮૦ ની ચુંટણીથી દારૂ વાળો હજુય ટોણાં મારે છે . નોટો ક્યારે ઢીલી કરશો ?
૧૯૮૫ ની ચુંટણીથી ચવાણાવાળો ઉધારી પતાવવા ચાકુ બતાવે છે.
૧૯૯૦ ની ચુંટણી જીપોવાળા જીવવા દેતા નથી ( ભાડું નહિ ચુકવવા બદલ )
૧૯૯૫ ની ચુંટણીમાં ગાડીઓમાં પુરાવેલ ડીઝલ પેટ્રોલના પૈસા ચૂકવ્યા જ નથી.
૧૯૯૮ ની ચુંટણીમાં પક્ષના ઝંડા ને બેનરોથી બંડી ને લેંઘા સિવડાવી દીધા.
૨૦૦૨ ની ચુંટણીમાં પક્ષમાંથી આવેલો આખા જીલ્લાનો ફાળો ઓહિયાં કરી ગયો છું.
૨૦૦૭ ની ચુંટણીમાં ભાડે લાવેલી ખુરશી ટેબલ વેચી દીધા છે.
છેલ્લા પચાસ વર્ષથી પાન બીડીના ગલ્લાવાળા ઉઘરાણી માટે આંટા ફેર કરે છે.
ઉઘરાણી માટે આવેલાને બહાર હોટલે જઈ વાત કરીએ એમ કહી હોટલે લઇ જઈને
એમના જ પૈસે ચા ને ભજીયાં તોડી ખાવ છું .
વારંવાર ઝઘડા અને દાદાગીરી કરવાનો મહામુલો ગુણ છે.
ખોટું મતદાન કરવવાની મહાન ક્ષમતા ધરાવું છું.
લોભ લાલચ ને ધાક ધમકી આપી મત લઇ શકું છું.
જો આપણી તરફેણમાં મતદાન ના થતું હોય તો ઝઘડો કરાવી મતદાન રોકવી શકું છું.
“ગામ પંચાયતની ચુંટણીમાં ત્રણ “
” તાલુકા પંચાયતની ચુંટણીમાં તેર “
” જીલ્લા પંચાયતની ચુંટણીમાં ત્રેવીસ “
” વિધાનસભાની ચુંટણીમાં તેત્રીસ “
” લોકસભાની ચુંટણીમાં તેંતાલીસ ” જેવા જંગી મત મેળવેલા છે.”
“પોર્ન ફિલ્મો જોવાનો શોખીન છું .” ગમે ત્યાં ને ગમે ત્યારે જોઈ શકું છું.
ગ્રાન્ટ (ફંડ) ઘરમાં જ વહેંચવી એવી અખંડ માન્યતા ધરાવું છું.
તોડ ને ગોટાળા કરવામાં નંબર એક છું.
કચેરીમાં જાઉં તો “ટાંકણીઓ , રબ્બર, ફૂટપટ્ટી ને પેન પેન્સિલ ખિસ્સામાં મૂકી દઉં છું.”
ફાઈલો ફાડવામાં ને માઈક તોડવામાં મારી આગળ કોઈ પણ ના આવે.
જોકે સરકારી મિલકતને પોતીકી ગણી એનું જતન કરું છે એટલે જ
“એસ.ટી ડેપોમાંથી બસ ચોરીને ઘેર લાવી મૂકી છે.”
” રેલવેના પાટા ઘર સુધી નથી નહિતર આખી ટ્રેન લાવી દેત.”
વિધાનસભામાંથી માઈકો કાઢી લઇ વેચવાનો મારો અનુભવ કામ લાગશે.
જમીનો કેમ પડાવવી અને વેચી દેવી એ મને આવડે છે .
જેથી જે પક્ષની સરકાર આવશે તેને મારા અનુભવનો સુપેરે લાભ મળશે.
જરૂર પડે “સચિવાલયનું ફર્નીચર તો શું આખું સચિવાલય વેચી આપીશ “
જેનું લઉં છું એને ક્યારેય પાછુ આપતો જ નથી.
દારૂની ભઠ્ઠીઓ ચાલવું છું.ને દારૂ વેચું પણ છું.
આપણી પાસે “વચનોની વખાર “અને ” લાલચોની લંગાર “ છે.
” જેમ કે, જે મને મત આપશે તેને ચંદ્રપર લઇ જવામાં આવશે “
જીત્યા પછી આપણા મત ક્ષેત્રમા કોઈ ગામનું નામ બદલી “ચંદ્રપર “ કરી દેવાનું .
બસ કે ટ્રક ટેમ્પા ભરી એ ગામે લઇ જવા કે ભાઈ જુઓ આ ચંદ્રપર આવ્યા કે નહિ.
આવા અમુલખ ગુણોને ધ્યાનમાં લઇ જે પક્ષ ટીકીટ આપશે એનો હું આભાર માનીશ .
આવો ” બાવન લખણો બાંઠીયો “ નમુનો તમને દીવો લઇ શોધ્યો નહિ જડે.
” સીમમાં સુઈ રહું છું ને નહેરમાં નાવું છું
ઉઘરાણીવાળાના ખર્ચે જ હું પણ ખાવું છું “
વહેલો તે પહેલોના ધોરણે જલ્દી નીચેના સરનામે સંપર્ક સાધવો.
ગોવિંદ ગોદડિયા ઉર્ફે પોલીટીકલ સેમ્પલ
ચોર પરા ચકલું
ગાંઠીયા ગલી . બેવડા નગર, ૦૦૦૪૨૦
તાલુકો – જુઠાણા . જીલ્લો –ફેંકુપુરા
સાટકો-
” આપી વચન પૂરાં ના કરું મને શી ફિકર છે આપની
જીતી ગયા પછી પાંચ વર્ષ મારે ક્યાં જરૂર છે આપની “
================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…ઓબામા આંગણે ઓવન…હાસ્ય..
ગોદડિયો ચોરો…ઓબામા આંગણે ઓવન…હાસ્ય..
==================================================
આજે બપોરનું લંચ લઈને પાર્કિંગ લોટમાં આંટા મારતો બીડીના દમ મારી
ઊંડા કશ લઇ ધૂમ્રપાનની મીઠી મઝા માણતો જ હતો ને અમેરિકા તેમજ
ગુજરાતના ચુંટણી સંગ્રામ વિષે વિચારતો હતો ત્યાં જ …ઘરરર .ઘરરરર
ટેલીફોનની ઘંટડી રણકારે ચડી ચકરડીઓ લેવા લાગી.ઘણી વાર ઘંટડી વાગી.
આપણે રહ્યા અસલ ગુજરાતી એટલે પૂછ્યું કોણ છે ભાઈ ? કોનું કામ છે ?
સામેથી જવાબ મળ્યો “ધીસ ઈઝ ગોધરીયા મારાજ “. ( ગોદડિયા મહારાજ)
મેં કહ્યું હા ભાઈ યસ ધીસ ઈઝ ગોધરીયા મહારાજ .ફેંકોલોજીસ્ટ.
એમ્ય હું સ્મોકર છું એટલે એસ્ટ્રે સાથે જ રાખું છું. ને એસ્ટ્રેમા ભવિષ્ય જોઉં છું.
પેલો કહે ” આઈ એમ સ્પીકિંગ ફોર્મ ડોન્કી હાઉસ. મીન્સ ડેમોક્રેટિક ઓફીસ”
“મીસીસ મિશેલ વોન્ટ ટોક ટૂ યુ ? સ્ટે ઓન લાઇન આઈ ટ્રાન્સફર ફોન .”
મેં વિચાર્યું આપણે ભારત મેટ્રોમોનીમા એપ્લાય કર્યું નથી . આ મિશેલ કોણ ?
ત્યાંજ સામેથી અવાજ આવ્યો મીસ્ટર ગોઘરીયા મારાજ . “ધીસ ઈઝ મીસીસ ઓબામા”
આઈ એલ કોલ ફ્રોમ વાઇટ હાઉસ . મીસીસ મિશેલ ઓબામા .
” આઈ સેન્ડ ટીકીટ ગેટ રેડી ટૂ કમ હિયર “ ને કહે ” યુ હોલ્ડ પ્લીઝ આઈ હેવ અનધર કોલ “
મારા મનના ઘોડા ઠેઠ આસમાન સુધી દોડી ગયા જોયું આ “ભાજપ ને કોંગ્રેસવાળા
આપણને લાયક ગણતા નથી ને આ મિશેલ બોન આપણને ટીકીટ આપી લડાવા માંગે છે “!
ચ્યોંક પાછા “પરધોન બનાઈ દે તો આપણી હાતેય પેઢી તરી જાય ને ભારતમાં પણ આપણો
વટ પડે કે અલ્યા અમે અમેરિકાના પરધોન છીએ.”
એટલામાં પાછો અવાજ આવ્યો સોરી માય હસબંડ કોલ મી એન્ડ આસ્કીંગ એવરીથીંગ ઓકે .
“આઈ વોન્ટ તુ આસ્કીંગ સમ ક્વેચન એન્ડ યોર વેરી યુઝ ફૂલ એડવાઈઝ” .
મેં વિચાર્યું લ્યો ” આપણો તો ડોલરિયો ભાવ થઇ જ્યો લ્યા ” મિશેલ બોન આપણી સલાહ લ્યે.
“ઇન યોર કન્ટ્રી વેન ઈલેકશન કમિંગ ધેટ ટાઈમ મિનિસ્ટર વાઇફ કોલ મારાજ એન્ડ
મારાજ ડ્રેસ ઈઝ નો પેન્ટ ઓર પાયઝમા ઓન્લી રેડ સારી સમ ટાઈમ યલો સારી ( સાડી)
એન્ડ ડુ ફુજા (પૂજા ) ફાયર ઇન ઓવન ( હવન ) એન્ડ થ્રો રેડ યલો પિંક કલર એન્ડ રાઈસ“
“યુ નો ધીસ એલીફન્ટ હાઉસ ( રિપબ્લિક ઓફીસ ) એન્ડ મીસ્ટર રોમની મેક પ્રોબ્લેમ ફોર
અસ એન્ડ મીડ વાઈલ ” સેન્ડી ઈઝ કમિંગ એન્ડ એવરી વેર થ્રો લાઇક કેન્ડી “
“માય હસબંડ ઓબામા ગેટ સેકન્ડ ટર્મ પ્રેસિડેન્સી . સો આઈ વોન્ટ ડુ ઓવન ફુજા “( હવન પૂજા)
મેં કહ્યું મિશેલ બોન એને હવન કેવાય .આપણે હન્ડ્રેડ પર્સન્ટ મીસ્ટર ઓબામા આવે એવું કરીશું
( ધેટ નેમ ઈઝ હવન . વી ડુ પૂજા ધેન હન્ડ્રેડ પરસન્ટ મી .ઓબામા વિન .)
સારું હું તૈયાર છું . પણ મારે બીજા બેચાર બ્રાહ્મણો સાથે લાવવા પડશે.
ઓકે ઓકે નો પ્રોબ્લેમ એની થીન્ક યુ નીડ યુ બાય એવરીથીંગ ઓલ ફ્રેમ ઇન્ડીયન સ્ટોર .
“આઈ ડુ નોટ સેન્ડ ટીકીટ નાઉ આઈ સેન્ડ સ્પેશિયલ ચાર્ટર પ્લેન બીકોઝ ધીસ ઈઝ સિક્રેટ મિશન.”
“બસ હવે મને બ્રહમ જ્ઞાન થયું કે આપણે ત્યાં બધાજ પ્રધાનોના ઘેર ફોન બીલ કેમ વધારે
આવે છે કેમ કે એમની પત્નીઓ ભાઈ ભાભી, માતા પિતા બહેન બનેવી અને સખીઓ સાથે મહતમ
વાતો કરતી હોવી જોઈએ. બીજું કે પતિ પ્રધાન હોય ને ફરી પ્રધાન બને એમાં એમને વધારે રસ
હોય છે એટલે છાનેમાને બાધા આખડી ને યજ્ઞો કરાવતી રહે છે અરે દોરા ધાગા પણ કરાવે છે.”
મેં તો પાયોનીયર જઈને કંકુ , અબીલ ગુલાલ હરિત ચૂર્ણ નાગરવેલના પાન બે પાઉન્ડ ચોખા
અમુલ ઘીના પાંચ ડબ્બા નાડાછડીનો દડો, પચાસ સોપારીઓ રાધા કૃષ્ણ મંદીરમાંથી ત્રાંબાનો
હવન કુંડ અને ગાયત્રી મંદિરમાંથી હોમવાની સુગંધિત સામગ્રી લઇ મોટી બેગો તૈયાર કરી દીધી.
બીજા દિવસે લોંગ બીચ એરપોર્ટ પર વિમાન આવી ગયું. બે ત્રણ ઓફિસરો અમને લેવા આવ્યા.
” બુધાલાલ બાપાલાલ બડુંકીયા, લલ્લુપ્રસાદ લાડવાપ્રસાદ લાઠિયા, રાગડેશ્વર રોન્ચાલાલ રોવડીયા”
સાથે હું પણ ઝબ્બો ચડાવી એરપોર્ટ ગયા. ત્યાંથી ડાયરેક્ટ પ્લેનમાં બેસાડી ઉપડ્યા ત્રણ ચાર કલાકે
અમે સીધા જ વાઇટ હાઉસના પ્રમુખના એરપોર્ટે ઉતર્યા. ત્યાંથી લીમોઝીન કારમાં વાઇટ હાઉસ ગયા.
અમને એક ઓરડો ફાળવી દેવાયો . કોફી સાથે બિસ્કીટ આવી ગયા. ગુજરાતી ભોજન વ્યવસ્થા થઇ.
બીજા દિવસે સવારના વહેલા જાગી નાહી ધોઈ લાલ પીળાં અબોટિયા પહેરી અમે તૈયાર થઇ ગયા.
હવન કુંડ સજાવી ધજાવી તૈયાર કરી દીધો.એમના માણસે આવીને કહ્યું મીસીસ મિશેલ ઈઝ કમિંગ
મીસીસ મિશેલ ઓબામા આવ્યા એટલે મેં કહ્યું ચાલો બધી તૈયારી થઇ ગઈ છે
મેં મીસીસ મિસેલ ને પૂછ્યું વેર ઈઝ મીસ્ટર ઓબામા ?
” મિશેલ સેઇડ હી ઈઝ નોટ હિયર હી વોઝ લુકિંગ સેન્ડી એરિયા સિચુએશન.”
“ઓન્લી આઈ એમ પાર્ટ ઓફ ધીસ ઓવન એન્ડ ફુજા. લેટ્સ ગો સ્ટાર્ટ ફુજા.
આઈ હેવ વન ક્વેચન ઇન માય માઈન્ડ .યુનો ઇન ઇન્ડિયા બેડ આઈ (બુરી નઝર)વોટ હી ડુ ?”
“વાય હી પુટ ધ બ્લેક કલર ઇન આઈ ઓર હેડ.”
રાગડેશ્વર કહે હવે “આને અને ઓબામાને નજર લાગે ખરી “? મૂળે છે જ બન્ને કાળાં. પછી કાજળની શી જરૂર?
મેં કહ્યું અલ્યા રાગડા આ દુનિયાના શક્તિશાળી પ્રમુખનું ઘર છે જો કોઈ ગુજરાતી જાણતુ હશે તો મરી જઈશ.
મિશેલ બહેન યજ્ઞ માટે તૈયાર થઈને ખુરશીમાં બેઠા . મેં કહ્યું મીસીસ મિશેલ યુ વોન્ટ ટૂ સીટ ઓન ફ્લોર
અમે તાંબાના કળશમા પાણી ભરી કંકુના ચાંલ્લા કર્યા પછી નાગરવેલનાં પાન મુક્યા ને શ્રીફળ મુક્યું.
નાગરવેલના પણ જોઈ મિશેલ કહે ” વોટ ઈઝ ધીશ ?”
બુધાલાલ કહે લીવ . ( પાન )
મિશેલ બહેન તો ઉઠીને ચાલવા લાગ્યાં. મેં કહ્યું “વોટ હેપન્ડ . વાય યુ લીવીંગ “
મિશેલ કહે ” ધીસ ગાય સે લીવ સો આઈ થીન્ક ધીસ પૂજા પાર્ટ.”
મેં કહ્યું બુધાલાલ તુ બહુ ડાહ્યો. . “મીસીસ મિશેલ નો લીવ .. મીન્સ નો ગેટ આઉટ “
“ધીસ ઈઝ લીવ્ઝ ” ધીસ સ્પેશીયલ લીવ્ઝ ફોર પૂજા . ધીસ લીવ્ઝ વી ઈટ આફ્ટર ડીનર
અમે સોપારી કાઢી ગણપતિ સ્થાપન માટે તૈયારી કરી .
મેં કહ્યું “વી થીન્ક ધીસ ઈઝ એલીફન્ટ ગોડ “
સોપારીને સ્નાન કરવી સાફ કરવાની વિધિ હતી.
મીસીસ મિશેલ ધીસ ઈઝ સોપારી.. વી પુટ ઓન બોર્ડ એન્ડ થીન્ક એલીફન્ટ ગોડ
મિશેલ ” ઓહ યસ યસ સમ બડી ટોલ્ડમી હોપારી “
મેં કહ્યું મિશેલ “નાઉ યુ વોશ સોપારી અને ક્લીન વિથ ટોવેલ એન્ડ પુટ એવરી કલર ડસ્ટ.”
મિશેલ સે ગોધરીયા “વાય બ્લેક અને ગ્રીન કલર ઈઝ નોટ ઇન ડીશ “
મેં કહ્યું “પૂજા ઓન્લી રેડ એન્ડ અધર કલર ઇન ઇન્ડિયા વેન પીપલ ડાય વી યુઝ બ્લેક કલર.”
મિસેલ કહે “ઓહ આઈ સી આઈ સી.નાઉ આઈ અંડર સ્ટેન્ડ “.
એટલામાં લલ્લુપ્રસાદે સોપારી સુડીથી કાપી મોઢામાં મૂકી ને ચાવવા લાગ્યા.
મિશેલ બહેન “ઓહ યુ ઈટ હોપારી. ગીવ મી સમ પીસીસ આઈ ટ્રાય.”
લલ્લુપ્રસાદે મિશેલ બહેનને બે ત્રણ ટુકડા સોપારી આપી . મિશેલ ચાવવા જાય પણ ભાગે નહિ.
મિશેલ કહે ગોધરીયા ” ઈટ ઈઝ વેરી હાર્ડ.એન્ડ નોટ બ્રોકન. નાઉ ઇટ્સ ઈઝહર્ટ માય ટીથ “
મેં કહ્યું ” યુ નો ધીસ વે મિસ્ટર રોમની ઈઝ હાર્ડ પર્સન અને હી હર્ટ મિસ્ટર ઓબામાં “
“વી વિલ હવન એન્ડ પૂજા ધેન મિસ્ટર રોમની ઈઝ નોટ બાધરિંગ મીન્સ નોટ નડીંગ.”
નાઉ યુ પુટ સમ દક્ષિણા મિન્સ ડોલર સમથીંગ ફોર એલીફન્ટ ગોડ “
મીસીસ મિશેલ સે “આઈ ગીવ બાય ક્રેડીટ કાર્ડ ઓર ચેક ઈટ ઈઝ ઓકે “
મેં કહ્યું “નો ગોડ હાઉસ હેઝ નથીંગ એકાઉન્ટ ઇન હેવન . હી ઈઝ રીસીવિંગ ઓન્લી કેશ “
મિશેલ બહેને દશ ડોલરની નોટ ગણપતિ આગળ મૂકી.
મેં મનમાં કહ્યું શું ” આ દેશની પ્રથા છે બધાયમાં મીંડું વાળવાનું. અલ્યા અમારા દેશમાં
પરચુરણ શોધ્યુય મળતું નથી પણ ચાંલ્લો કે બીજી વિધિમાં અમે પાનના ગલ્લે જઈને
છુટો રૂપિયો લાવી અગિયાર કે એકવીશ કરીએ.”
પછી અમે જોર શોરથી હવનની પ્રક્રિયા શરુ કરી. હું શ્લોક બોલું ને બીજા સ્વાહા કહે.
હવે આપણે ( ભારત ) ત્યાં યજ્ઞ થાય તો સમજાય પણ થોડા શબ્દો અમેરિકાના આવે તોજ
મિશેલ બહેને પણ સમજાય ને વિશ્વાસ બેસે.
“ઓમ નારાણાય સ્વાહા. ઓમ ગણેશાય સ્વાહા ઓમ અમેરીકાય સ્વાહા “
“ઓમ વાઇટ હાઉસ અગેઇન વસાય સ્વાહા .”
“ઓમ અગેઇન પ્રેસિડેન્ટ બનાય સ્વાહા.”
“ઓમ રોમની હારાય સવ્હા. ઓમ ઓબામાં જીતાય સ્વાહા “.
“ઓમ ઓબામાં વિનાય સ્વાહા. ઓમ રોમની લુઝાય સ્વાહા “
“ઓમ સેન્ડી પ્રોબ્લેબ ના દેખાય સ્વાહા “.
” ઓમ વાઈટ હાઉસમાં મિશેલ સોહાય સ્વાહા.”
“ઓમ વિનાય વિનાય વિનાય વિનાય વિનાય સ્વાહા “
હવન કુંડમાં લાકડા અને ઘી સાથે હવનની હોમાત્મક આહુતિ દેવામાં અને ફરી “ફસ્ટ લેડીનું
પદ જળવાય એમાં મીસીસ મિશેલ ઓબામાં એટલાં બધાં તલ્લીન થઇ ગયેલાં કે તેમને તો
મૂઠા ભરીને સામગ્રી અને ઘીના કડછા ને કડછા ભરીને હવન કુંડમાં હોમવા માંડ્યું.”
બસ પછી તો ધુમાડાના ગોટે ગોટા એવા ઉડ્યા કે આખા વાઈટ હાઉસમાં આગ લાગી હોય
તેમ ફાયર એલાર્મ વાગવા લાગ્યા. હવે આ હવનની વાત ખાનગી હોઈ કોઈને જાણ નહોતી.
અમેરિકાના પ્રેસિડેન્ટ હાઉસનો સવાલ હોય એટલે ફાયર બ્રિગેડની ટ્રકોની ટ્રકો સાથો સાથ
એમ્બ્યુલન્સો સાથે પોલીસ દળની ગાડીયોની લંગારો સાયરનો વગાડતી તૂટી પડી ને પાણીનો
એવો જોરદાર મારો ચલાવ્યો કે અમને લાગ્યું કે “આ બીજું સેન્ડી ઉપડ્યું કે શું “
મિશેલ ઓબામાં તો ભીજાઈ ગયેલા એટલે તે તો ઝડપભેર કપડાં બદલવા ચાલ્યાં ગયાં.
પણ અમારી હાલત તો ” હવેલી લેતાં ગુજરાત ખોઈ “ એવી થઇ ગઈ.
ભીના કપડા અને વાતાવરણની ઠંડી અસર કે અમને ફ્લુ ની અસર દેખાવા લાગી.
“સિક્યુરીટી ગાર્ડઝ અને વોશિંગટન ડીસીની પોલીસે અમને વાઈટ હાઉસમાં આગ લગાડવાના
આરોપસર અમારી બધાની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા.”
હાટકો-
મંદિરમે ગયે થે ફૂલ ચઢાનેકે લિયે
ફૂલ ચઢાને કે બાદ એ એહસાસ હુઆ કિ
એ પથ્થરોકો ખુશ કરનેકે લિયે હમ ફૂલોકા કત્લેઆમ કરકે આયે.
=================================================================
સ્વપ્ન જેસરવાકર
ગોદડિયો ચોરો…તા થા થા થે… ભવાઈ ( સત્તા સ્વયંવર )
ગોદડિયો ચોરો…તા થા થા થે… ભવાઈ ( સત્તા સ્વયંવર )
==========================================================
ભવાઈ વેશ બરાબરનો જામ્યો છે. અબાલ વૃદ્ધ યુવા અને મહિલાઓ પોતાનાં
આસન જમાવી ભવાઈ ખેલ ” સત્તા સ્વયંવર “ જોવા બેસી ગયા છે.
ખાંટુ નગરના મહારાજા ફાડુંસિંગ મૂછો ચાવતા અને ચોરણો ઉંચો ચડાવતા ફરરર
ફરકતા પ્રવેશે છે . ચોરણો મોટો હોઈ વારંવાર ઉતરી પડે છે એટલે નાડુ પકડી રાખે છે.
મહારાજાનું પાત્ર અમારો શાંતિલાલ દરજી ઉર્ફે ધ્રુતરાષ્ટ્ર ભજવે છે સાથે દીવાનજીના
પાત્રમાં ગોદડિયો ભાથી ( ગોવિંદ ગોદડિયો) ગોદડી વીંટાળતો ને ખૂણેથી ચાવતો પ્રવેશે છે .
ફાડુંસિંગ કહે દેવોનજી ( દીવાનજી )પરથમ તો માતાજીનો ગરબો રૂમીઝુમીને ફરી લઈએ .
ચાલો તમારી વીજળીઓને હોંકારા દેકારા ને પડકાર કરી બોલાવો.
તા થા થા થે ઢોલ ને ભૂંગળો ને કાંસી જોડાંના તાલથી આખું વાતાવરણ ગાજી ઉઠે છે.
ચાર પાંચ વીજળીઓ સ્ત્રી પાત્ર સ્વરૂપે હાજર થાય છે .એમણે ધૂમટા તાણી ગાય છે.
” હે ગોદડીયા રાજ રે અમને હોંકારા દીધા શા કાજ રે “
શણગાર સજીને બેઠીતી આજ કેવી રંગીલી છે સાંજ રે “
ગોદડિયા ભાથી કહે છે.
“વહાલી વીજળીઓ આજ રે ગાવા છે મા ચુંટણીના નાદ રે
ઝટપટ કાઢી નાખો લાજ ને સંભળાવો ગરબાનો સાદ રે “
ગોદડિયા ભાથી જાહેરાત કરે છે મારા વા’ લા હજ્જનો ને હ્ન્નારીઓ ને નાગાં ફરતાં ને
કુદતાં બાળકો કોઈએ ગરબામાં સીટી મારવી નઈ કે ગરબાનું અપમોન કરવું નઈ.
“હોન્તીથી હોભારવાનું વચે ભાંભરવાનું નઈ .તમને હઉને ચટણી માના હોગંદ.”
( શાંતિથી સાંભળવાનું વચ્ચે બોલવાનું નહિ . તમને સહુને ચુંટણી માના સોગંધ )
ઢોલ નગારાં ભૂંગળો ને કાંસી જોડાની રમઝટે મા ચુંટણી મૈયાનો ગરબો જામે છે.
તાક…ધીન..થા..થા …થે ના હોંકારા દેકારા ને પડકાર સાથે ગરબો શરુ થાય છે.
ગોદડીયા ભાથી ગરબો ગવડાવે છે ને વા’લી વીજળીઓ ગરબો ઝીલે છે.
મા ચુંટણી તે પંચથી ઉતર્યા ને મા ચુંટણી મા
મા પરવરિયાં ગુજરાત રે મા ચુંટણી મા
મા ગાંધી ગુજરાત શોભતું રે મા ચુંટણી મા
મા ગાંધી, સરદાર ગાથા ગાતું રે મા ચુંટણી મા
મા ગાંધીના નામે નગર વસાવિયું રે મા ચુંટણી મા
મા ગાંધીનગર બન્યું છે ગાંડીનગર મા ચુંટણી મા
મા ગાંડીનગરનાં હાત હેક્ટર રે ચુંટણી મા ( હાત- સાત == હેક્ટર- સેક્ટર )
મા હાતે હેક્ટરમા બગલા ને બાગ રે મા ચુંટણી મા ( બગલા – બંગલા )
મા હેકટરે હેક્ટરે વસતા ઓંધીકારી રે મા ચુંટણી મા ( ઓંધીકારી – અધિકારી ..કામને ઊંધું કરે તે )
મા એક હેક્ટરમા વસતા પરધોન રે મા ચુંટણી મા
મા “ઘેર ખાવું ને ઝેર ખાવું “એમનો સીધોન્ત રે મા ચુંટણી મા (સીધોન્ત – સિધ્ધાંત )
મા એતો હચીવાલયમા હરવરતા રે મા ચુંટણી મા ( હચીવાલય – સચિવાલય, હરવરતા – ફરતા)
મા ધોરા ડગલા ને કારાં કોમ રે મા ચુંટણી મા ( ધોરા -ધોળા , કારાં – કાળાં, કોમ-કામ )
મા મફત રેવું ને મફત ખાવું ને મલે તે તોડી ખાવું રે મા ચુંટણી મા ( રેવું -રહેવું )
મા હવે ડાયી ડાયી વાતો કરશે રે મા ચુંટણી મા ( ડાયી – ડાહી )
મા વાયદુ ને વચનું ની કરશે લંગાર રે મા ચુંટણી મા ( વાયદુ- વાયદા , વચનું – વચનો )
મા તમે તો મારા સો ને ઉં તમારો સુ કેશે રે મા ચુંટણી મા (સો-છો, ઉ -હું , સુ -છું, કેશે-કહેશે )
મા મત હારું હોગંદ ખાશે ને ખવડાવશે રે મા ચુંટણી મા ( હારું-સારું ,હોગંદ-સોગંદ )
મા જીતી ને નાહશે ગાંડીનગર પોચ વરહે પાસા દેખાય રે મા ચુંટણી મા (પોચ -પાંચ ,પાસા-પાછા )
મા ખમા ખમા ખમા તમારો આ ચેટલો છે પરતાપ રે મા ચુંટણી મા ( ચેટલો- કેટલો )
આમ રૂમીઝુમી ને ગરબો પૂરો થાય છે.
તા..થા..થા થા..થા..થે.થે.તાક.ધીન.તક.તા.થા…થા… થે..થા..થા..થે…થે તાક ..ધીન..તાક
મહારાજા ફાડુંસિંગ કહે દીવાનજી ગોદાડિયા મને ઝંઝાનાવો ( જણાવો ) કે …કે…કે કે..પપપપન.આઆ
આપણા રાજમાં આ હંધુંય ( બધુંય) સુ ( શું )ચાલી રયું છે .
દીવાનજી કે ( કહે ) “બાફું (બાપુ) આ નોની ( નાની )ગાડી ને જેમ જીભડી ( જીભ ) ચ્યમ (કેમ)
લબકારા મારે સે .” (નોની ગાડી – મીટર ગેજ)
“આપણા આ રાજમો (રાજ્યમાં ) એક ક્રોધસિંગ કડકસિંગ નામનો હુબો (સુબો) છે.”
” એ વની વનીનાં ( જાત જાતના ) લૂગડાં (કપડા ) પેરે સે. ભાતની દેહી (દેશી)ને પરદેહી (પરદેશી)
ફળિયાં ( પાઘડીઓ ) પેરે સે ( પહેરે છે )”
ત્યાં જ હાયરન ( સાયરન) વાગે સે ને કાળાં લૂગડાં પેરેલા ( પહેરેલા) બંધુકો લઈને દહ (દશ)
બાર ચેતક કમાન્ડો અને પાછળ પોલીસની ગાડીઓ પ્રવેશે છે.
આ કાળાં કપડા પહેરેલા કમાન્ડોની પાછળ પોલીસ જોઇને ગામના બાળકો મહિલાઓ અને વડીલો
ભવાઈ વેશ જોવાનો પડતો મેલી નાસભાગ કરી મુકે છે.
ગોદડિયો ભાથી કહે ભઈઓ ( ભાઈઓ ) ને બુનો ( બહેનો ) બેહી ( બેસી) જાવ ગભરાવ નહિ .
છોકરા કહે ” ભાથી ભઈ આ કાળા કપડાંવાળા ડાકુઓ પાછળ પોલીસ પડી છે .”
આ ડાકુઓ ગામ લૂટવા આવ્યા છે કે શું ?
ફાડુંસિંગ કહે અલ્યા દીવોન ( દિવાન )આ હંધુય સુ સે એ હમજાય.
ગોદડિયા ભાથી કહે “આપણી સનેમા (સિનેમા )વાળાએ ડાકુઓ માટે કાળો પહેરવેશ બતાવે રાખ્યો છે.
એટલે પ્રજા કાળા કપડાંવાળાને ડાકુ હમજે ( સમજે) છે .”
અને પાછળ પોલીસ હોય તો પોલીસ એમની પાછળ પડી છે એવું જનતાના મનમાં ઠસી ગયું છે.
” જોકે હવે તો આ ધોળા લૂગડાં વાળાય ડાકુથી કમ નથી “.
પેલા બંધુક ને કારતુસ બે જ રાખે ને માલ લુંટી જાય .
આવડા પરધાનો તો લુંટે પણ ” પેન, પટાવાળો ,પી.એ. અને પત્ની એમ મળી પાંચ જણા લુંટે.”
(પેનથી લખે,પટાવાળો ને પીએ કટકી માંગે. પત્ની ઘરવખરી ને દાગીના માગી લે )
એ બધાની પાછળ પ્રદેશના સૂબાની ગાડી ભોં ભોં ભોં કરતી ઝપઝપાટ પ્રવેશે છે.
ભાથી કહે બાફું ( બાપુ )આ પ્રદેશ હુબા( સુબા) છે “એમનું નામ ક્રોધસિંગ કડકસિંગ છે.”
“એ પરધાનું ને ફફડાવે સે. જો ઈમનો ફોનું આવે તો પરધાનું કેવડાવે કે પરધાન ઝાઝરુમાં ગીયા સે” .
“ઘણા પરધાનું તો ફોનું ( ફોન ) પર કુરનીશ બજાવતા હોય છે .”
ફોનુંમાં હા સાયેબ હા સાયેબ ને કેડેથી વાંકા વળી સલામું કરતા જાય .
હંધાય (બધાય ) વૈવટ ( વહીવટ )મા એમને પુચવા (પુછવા ) જવું પડે.
હંધીય જગાએ એ ટેમ ( ટાઇમ ) કરતા મોડા જ પુગે ( પહોચે )
માનવ મેરામણ ( મહેરામણ) જોઇને એ ખીલે. એ ભાષણ ભરડે પણ બીજા કોઈએ ભરડવાનું નઈ (નહિ)
મોટા મોટા સાયેબો ( સાહેબો- અધિકારીઓ )એમને પગે લાગે.
એમને હંધાય ફાળીયાં ( પાઘડી ) પેરાવે (પહેરાવે )
” હમાજો ( સમાજો ) કાયર કરતા ( કાર્યકર્તા ) ભાત ભાતની પાઘડીયો પેરાવે .”
પણ એ કોઈ દિ ” પા – ઘડી “ કોઈની પાંહે ( પાસે ) ના બેહે (બેસે )
થાક..ધીન..ધીન..થા..થા..થા.થે…..થે..થે થે ભાથી નાચે છે.
ગોદડિયા ભાથી જાહેરાત કરે છે આગળનો ખેલ શક્કરવારે ( શુક્રવારે )
જે માતાજી. જે માતાજી. તા થે થા તા તા થા થા થે થે તા તા થે થે થા થા થે
હાટકો-
“ચુંટણીયો રંગ તને લાગ્યો લ્યા ગુજરાત ચુંટણીયો રંગ તને લાગ્યો રે લોલ “
======================================================